Ahmedabad News: અમદાવાદ શહેરમાં વાડજ જંકશન પર નવા ઓવરબ્રિજનું લોકાર્પણ થયા બાદ સર્જાયેલી ટ્રાફિકની સમસ્યાને પગલે તંત્રે તાત્કાલિક મોટો નિર્ણય લીધો છે. વાડજથી નારણપુરા જવા માટે બ્રિજ નજીકનો જૂનો કટ બંધ કરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જોકે, ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મનપાની ટીમે સંકલન સાધીને એરોમા કોલેજ પાસેનો નવો કટ ખુલ્લો મૂક્યો છે. જેનાથી રોજના હજારો વાહનચાલકોને મોટી રાહત રહેશે.
શું હતી ટ્રાફિકની સમસ્યા
શહેરમાં ગત 24 સપ્ટેમ્બરના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલે નવા વાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. પરંતુ બ્રિજ શરુ થતાં જ વાડજથી નારણપુરા જતો જૂનો કટ કાયમી ધોરણે બંધ દેવાયો હતો. આ કટ બંધ થવાના લીધે નારણપુરા તરફ જતાં વાહનચાલકોએ ઉસ્માનપુરા સિગ્નલ સુધી ફરીને જવું પડતું. તેમજ ઉસ્માનપુરા ચાર રસ્તા પર ભારે દૈનિક વાહનોનો જમાવડો રહેતો હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. સ્થિતિની ગંભીરતાને જોતાં ટ્રાફિક પોલીસે બે દિવસ સુધી વિસ્તારનો સર્વે કર્યો હતો.
નવો કટ ખોલવાનો નિર્ણય
મનપા અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક બોલાવીને જૂના કટથી માત્ર 200 મીટર આગળ આવેલી એરોમા કોલેજ પાસેનો કટ ખોલવા અંગેનો નિર્ણય લીધો હતો. મોડી રાત્રે મનપા અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને કામગીરી પૂરી કરી હતી. વાડજ ઓવરબ્રિજ પરથી દૈનિક 1.50 લાખ વાહનોની અવરજવર રહેતી હોય છે.
નવા એરોમા કોલેજનો કટ શરુ થવાથી 10 હજારથી વધુ લોકોને ઉસ્માનપુરા સુધીના લાંબા ફેરામાંથી મુક્તિ મળશે. તેમજ નારણપુરા અને નજીકના વિસ્તારના વાહનચાલકો આ શોર્ટકટનો ઉપયોગથી વાહન વ્યવહાર સરળ બનશે.
