USA visa Fraud: અમદાવાદમાં એક વિદ્યાર્થિનીને USના M 1 ફ્લાઈટ ટ્રેનિંગ વિઝા અપાવવાના નામે કુલ 23 લાખની છેતરપિંડી આચરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ છેતરપિંડી અંગે વડોદરાના એજન્ટ સહિત 4 આરોપીઓ વિરુદ્ઘ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. વિદ્યાર્થિનીની ફરિયાદને આધારે પોલીસ વધુની તપાસ ચલાવી રહી છે.
24 વર્ષીય વિદ્યાર્થીની સાથે મોટી ઠગાઈ
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, કાંકરિયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય વિદ્યાર્થીની અમીશા રુપાણી ઉચ્ચ અભ્યાસ અર્તે અમેરિકા જવા માંગતી હતી. તેથી તે વિવિધ એજન્સીઓનો સંપર્ક કરી રહી હતી. આ દરમિયાન વર્ષ 2024માં મની એક્સચેન્જનું કામ કરતી પ્રેમલતાબેને વિદ્યાર્થિનીને F1 વિઝાના બદલે M1 ફ્લાઈટ ટ્રેનિંગ વિઝા માટે અરજી કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ પ્રેમલતાબેને લાલબાગ રોડ પર ફ્લાઇટ મોડ ઇન્સ્ટિટ્યુટના રિદ્ધિ જોષી અને શુભમ દેસાઈ સાથે સંપર્ક કરાવ્યો હતો.
એજન્ટોએ યુક્તિપૂર્વક વિદ્યાર્થિનીને છેતરી
અમીશા રુપાણીને એજન્ટો દ્વારા 16 ઓગસ્ટ 2024ના રોજ વિઝા ઇન્ટરવ્યૂ માટે ચેન્નાઈ મોકલવામાં આવી હતી. પરંતુ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટની ખરાઈ ન થતાં પાસપોર્ટ પરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીને મુંબઈના વિશાલ ગાંધી નામના એજન્ટ સાથે મુલાકાત કરાવી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ 30 ઓક્ટોબર 2024ના રોજ રિદ્ધિ અને શુભમે વોટરમાર્કવાળો વિઝાનો ફોટો મોકલી વિશ્વાસ જીત્યો હતો. એજન્ટોએ યુક્તિપૂર્વક વિદ્યાર્થિનીને મુંબઈ એરપોર્ટથી પરત બોલાવી લીધી અને સિંગાપોરથી ઇમિગ્રેશન કરાવવાની નવી વાર્તા ઘડી કાઢી હતી.
નકલી વિઝા સ્ટેમ્પિંગ
વિદ્યાર્થિનીએ આરોપીઓ સામે આક્ષેપ મૂક્યો હતો કે, એજન્ટોએ પાસપોર્ટ પર USAના 5 વર્ષના M1 ફ્લાઈટ ટ્રેનિંગ વિઝાનો બોગસ (નકલી) સિક્કો મારી આપ્યો હતો. તેમજ તેની પાસેથી ટુકડે-ટુકડે કુલ રુ. 23 લાખ પડાવી લીધા હતા. વિદ્યાર્થિનીએ તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં અમીશા રુપાણીએ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમં ચારેય એજન્ટો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
