Ahmedabad News: ગુજરાતમાં નવલી નવરાત્રિનો આરંભ થવાનો છે. તે પહેલા સોશિયલ મીડિયા પર ગરબા પાર્ટનર 'ભાડે' મળે તેવી પોસ્ટ ઘણી વાયરલ થઈ છે. આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ફેલાતાં હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમના મોનિટરિંગ દરમિયાન આવી પોસ્ટ આવતા સુરત, અમદાવાદના ઘણા ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓની પૂછપરછ કરવામાં આવી છે. આવી પોસ્ટ સામે સાયબર ક્રાઈમ એલર્ટ બની છે.
1 હજારથી બે હજાર સુધીના પેકેજ
જાહેર જનતાને અપીલ કરી છે કે, ઓનલાઈન ગરબા પાર્ટનર ભાડે આપવા જેવી પોસ્ટથી લોકો સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. તેથી સતર્ક રહેવું. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણી પોસ્ટ્સ વાયરલ થઈ છે. જેમાં 1 હજારથી લઈને 2 હજાર સુધીના પેકેજમાં ગોલ્ડ, સિલ્વર અને ડાયમન્ડ જેવા પેકેજ અપાયા છે. ગરબા પાર્ટનર સાથે ગરબે ઘૂમવા, મેચિંગ આઉટફિટ્સ, ફોટો સેલ્ફી જેવા ધણા ઓપ્શન આપવામાં આવી રહ્યા છે.
સાયબર ક્રાઈમે લોકોને કરી અપીલ
અમદાવાદ સાયબર ક્રાઈમ એસીપી હાર્દિક માકડિયાએ લોકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે, અમદાવાદ સુરત અને મુંબઈના કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરોએ ગરબા પાર્ટનર ભાડે આપવાની પોસ્ટ મૂકી તે અસલી હતી. પરંતુ આવી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તે ખરેખર સાચી હોય તે માની શકાય નહીં. નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ઘણા સાયબર અપરાધીઓ બનાવટી આઈડી બનાવીને લોકો સાથે મોટું નાણાકીય ફ્રોડ કરી શકે છે. તે બાબતે લોકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે.
કોઈ સત્તાવાર ફરિયાદ નથી નોંધાઈ
ઘણા લોકોને આખી રાત ગરબે રમવાનો શોખ હોય. તો તેમની માટે પણ ખાસ 2 હજારથી લઈને 6500 સુની પ્લેટિનમ પેકેજ્સની જાહેરાત કરાઈ છે. આ પેકેજમાં પર્સનલ ટ્રેનિંગ, રીલ્સ બનાવવી, ગરબા રમવાા ઉપરાંત નાઈટ ફૂડ ડ્રાઈવ જેવા દાવાઓ કરાઈ રહ્યા છે. સાયબર ક્રાઈમ એસીપીના જણાવ્યા પ્રમાણે, હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ લોકોએ પોતાની સુરક્ષા ખાતર સતર્ક રહેવું. અજાણ્યા લોકો અને પોસ્ટથી દૂર રહેવું હિતવાહ છે.
