The United Way of Ahmedabad: અમદાવાદમાં નવરાત્રી પહેલાં જ ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના ગરબા રસિકો માટે આ વર્ષે પહેલીવાર વડોદરાની પ્રખ્યાત 'યુનાઈટેડ વે' ગરબાની શૈલીમાં 'યુનાઈટેડ વેવ્ઝ ઓફ અમદાવાદ' (The United Way of Ahmedabad)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સાયન્સ સિટી પાસે આવેલા V-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જે પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ રજૂ કરશે. પાસ ખરીદવા અહીં ક્લિક કરો.
'ડિઝાઈયર ઇવેન્ટ્સ'ના ફાઉન્ડર યુગ મકવાણા અને તેમની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબાની સૌથી મોટી ખાસિયત તેનું સેન્ટર સ્ટેજ છે. આ સ્ટેજ વડોદરાની યુનાઈટેડ વેની જેમ મેદાનની વચ્ચે રાખવામાં આવી છે, જેથી ખેલૈયાઓ કલાકારોની ફરતે ગોળ ફરીને ગરબાનો આનંદ માણી શકે. આયોજકોએ જણાવ્યું કે, 'અમે વડોદરાના સુગમ સંગીતવાળા ગરબાની શૈલી અમદાવાદમાં લાવવાનો પ્રયાસ કર્યો છે, જે યુવાનોને પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડશે. આરતી બાદ ત્રણ તાળીથી ગરબાની શરૂઆત થશે, જે વડોદરાની પરંપરાનું પ્રતિબિંબ છે.
નો પ્લાસ્ટિક અને ગો ગ્રીન થીમ પર આયોજન
આ વર્ષે ગરબાનું આયોજન 'નો પ્લાસ્ટિક-ગો ગ્રીન' થીમ પર કરવામાં આવ્યું છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિજિટલ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ, વેન્યૂને વર્લી આર્ટ અને માટલી જેવી ગુજરાતી લોકકલાથી શણગારવામાં આવશે, જે કલા અને વારસાને પણ ઉજાગર કરશે. આ ગ્રાઉન્ડમાં 10,000 ખેલૈયાઓની ક્ષમતા છે અને સિંગર વાસુદેવ પાટડિયા તેમની 19 સભ્યોની ટીમ સાથે સંગીતની રમઝટ બોલાવશે.
પાસ અને ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા
'યુનાઈટેડ વેવ્ઝ ઓફ અમદાવાદ' માટે પાસની કિંમત રૂપિયા 699થી શરૂ થઈને રૂપિયા 1199 સુધી રાખવામાં આવી છે. આનંદની વાત એ છે કે, પહેલા ફેઝના રૂપિયા 699ના પાસ સંપૂર્ણપણે વેચાઈ ચૂક્યા છે. બીજા ફેઝના પાસનું વેચાણ હાલ ચાલી રહ્યું છે. વડોદરાની જેમ, અહીં પણ 1000 જેટલી મહિલાઓને ફ્રી પાસ આપવામાં આવશે, જેના માટે ફોર્મ ભરીને પસંદગી કરવામાં આવશે.
નવરાત્રી પહેલાં બે દિવસ પ્રિ-નવરાત્રીનું આયોજન
મુખ્ય નવરાત્રી પહેલાં બે દિવસનું પ્રિ-નવરાત્રીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર્સ જોડાશે. આ અનોખો કોન્સેપ્ટ શહેરના ગરબાપ્રેમીઓને એક નવો અને યાદગાર અનુભવ આપશે. આ આયોજનને કારણે અમદાવાદની નવરાત્રીને એક નવી ઓળખ મળશે.