કિશન પ્રજાપતિ,
BAPS Hindu Mandir Abu Dhabi (6-12-2023): UAEના આબુ ધાબીમાં બની રહેલાં પહેલા હિન્દુ મંદિરનું કામ ફુલ સ્પીડમાં થઈ રહ્યું છે. થોડાક દિવસ પહેલાં જ અહીં મંદિરના 7 શિખરમાંથી પ્રત્યેક શિખર પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ અમૃત કળશનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામી, સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કળશની શું વિશેષતા છે અને તેનું મહાત્મ્ય શું છે તે અંગે BAPSના વિવેકજીવન સ્વામીએ ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી રસપ્રદ માહિતી શેર કરી હતી. મહત્વનું છે કે, ગત નવેમ્બર મહિનામાં 11 નવેમ્બરે ગોડંલમાં સ્થિત BAPS મંદિરમાં મહંત સ્વામીએ 7 અમૃત કળશ અને 9 ધ્વજ દંડની પૂજા કરી હતી.

મંદિરમાં સ્થાપિત કરાયેલાં કળશની વિશેષતા
- આબુ ધાબીમાં BAPS મંદિરમાં કુલ નાના-મોટા 20 કળશ સ્થાપિત કરાયા છે.
- આ તમામ કળશ ભારતમાં બ્રાસમાંથી જ બનાવવામાં આવ્યા છે અને તેના પર સોનાનો ઢોળ ચઢાવાયો છે.
- મંદિરમાં મુખ્ય કળશ 8 ફૂટ ઊંચો છે.
- મંદિરમાં 9 ધ્વજ દંડ છે. જેમાં મુખ્ય ધ્વજ દંડ 22 ફૂટ ઊંચો છે.

''કળશ જ્યારે સ્થાપિત થાય ત્યારે મંદિર પૂર્ણ થયું કહેવાય''
BAPSના સાધુ વિવેકજીવન સ્વામીએ આ અંગે જણાવતા કહ્યું કે, ''કળશ એ મંદિરનું એક અંગ કહેવાય છે. કળશ જ્યારે સ્થાપિત થાય ત્યારે મંદિર પૂર્ણ થયું કહેવાય, કારણ કે, કળશ વગર મંદિર અધૂરું હોય છે. મુખ્ય કળશ આમલખ (તેને શિખરનો મુગટ કહેવાય)ની ઉપર કળશ આવે. જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. ત્યારે સમુદ્રમાંથી ધન્વંતરી આવે છે અને તેમના હાથમાં કળશ હોય છે. એ કળશની અંદર અમૃત હતું. જે કોઈ અમૃત પીવે તે મૃત્ય પર વિજય પ્રાપ્ત કરીને અમર થાય છે. એટલે કળશ છે તે અમૃત કળશ પ્રતિક છે. જ્યારે લોકો મંદિરની મુલાકાત છે તેમને સુખી અને સમૃદ્ધની પ્રાપ્તિ થાય છે.''

''બ્રાસમાંથી બનેલા કળશ પર સોનાનો ઢોળ ચઢાવાયો છે''
વધુમાં વિવેકજીવન સ્વામીએ જણાવ્યું કે, ''કળશ પત્થર અને બ્રાસમાંથી પણ બને છે. આ કળશ બ્રાસમાંથી બનાવવામાં આવ્યા છે અને તેની પર સોનાનો ઢોળ ચઢાવ્યો છે. આ કળશના મુખમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વસતા હોય છે. આમ જ્યારે કળશ મંદિરના શીખર (આમલખ) પર સ્થાપિત કરવામાં આવે છે ત્યારે મંદિર પૂર્ણ થયું કહેવાય છે.''

''7 શિખર પર સનાતન ધર્મના દેવ પધરાવ્યા છે''
વિવેકજીવન સ્વામીએ વધુમાં જણાવ્યું કે, ''કળશ એક રીતે એન્ટેના જેવું છે જે ડિવાઇન એનર્જીને પકડે છે અને શિખર દ્વારા ગર્ભગૃહમાં વહન કરે છે. UAE સાત રાજ્યથી બન્યું છે એટલે મંદિરમાં સાત શીખર કરવામાં આવ્યા છે. દરેક શીખરમાં આપણાં સનાતન ધર્મના દેવને પધરાવ્યા છે. આ કળશ ઢાંકી દેવામાં આવશે. જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થાય ત્યારે એક કળશ ખોલવામાં આવે છે.''
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
