થાઈલેન્ડથી મુંબઈ-દિલ્હી થઈ અમદાવાદ પહોંચતો હાઈબ્રિડ ગાંજો, સાયબર ક્રાઈમે ખોલ્યું આંતરરાષ્ટ્રીય નેટવર્કનું રહસ્ય

અમદાવાદ સાયબર ક્રાઈમે ડાર્ક વેબ અને ટેલિગ્રામ મારફતે ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 19 Nov 2026 08:46 AM (IST)Updated: Thu, 19 Nov 2026 08:46 AM (IST)
thailand-hybrid-ganja-drug-network-ahmedabad-cyber-crime-dark-web-telegram

Ahmedabad cyber crime: ડિજિટલ યુગમાં હવે ડ્રગ્સ માફિયાઓ પણ પોલીસથી બચવા માટે હાઈટેક ટેક્નોલોજીનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમે ઓનલાઇન ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતાં નશીલા પદાર્થોના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે અમદાવાદ પોલીસે 5 પ્રાઈવેટ ટેલિગ્રામ ચેનલો સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે તપાસમાં આ સમગ્ર રેકેટ સાથે 10થી 12 જેટલી ડાર્ક વેબ સાઇટ્સ પણ સંકળાયેલી હોવાનો ખુલાસો થયો છે.

કેવી રીતે ઓપરેટ થતું ડ્રગ્સ નેટવર્ક

સાયબર ક્રાઈમની વિગત પ્રમાણે, આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કમાં ખરીદનાર અને વેચનાર ક્યારેય એકબીજાની સામે આવતા નથી. પોલીસે ઝડપેલી મોડસ ઓપરેન્ડી પ્રમાણે, ડ્રગ્સ પેડલરો ગ્રાહકોને આકર્ષવા માટે સૌપ્રથમ પ્રાઈવેટ ટેલિગ્રામ ચેનલો અને ગ્રુપ બનાવતા. જ્યાં નશીલા પદાર્થો માટે ખાસ કોડવર્ડમાં મેસેજ મૂકવામાં આવતા હતા. સુરક્ષા એજન્સીઓથી બચવા માટે આરોપીઓ મુખ્ય ચેટિંગ અને ઓર્ડર લેવા ગ્રાહકોને ટોર બ્રાઉઝર જેવી ડાર્ક વેબસાઇટની લિંક મોકલાતી હતી.

કુરિયરથી કરવામાં આવતી ડિલિવરી

ડ્રગ્સ પેડલરો અને માફિયાઓ પોતાની ઓળખ છુપાવવા માટે ભાડાના એકાઉન્ટના યુપીઆઈ સ્કેનર મોકલીને ઓનલાઇન પેમેન્ટનો સ્વીકાર કરતા હતા. પેમેન્ટ મળી ગયા પછી ડ્રગ્સને કુરિયર મારફતે ડિલિવરી કરવામાં આવતી હતી. આને ગુનાઓની દુનિયામાં ડેડ ડ્રોપ ડિલિવરી કહેવામાં આવે છે.

થાઈલેન્ડથી વાયા અમદાવાદ પહોંચતો માલ

પોલીસન તપાસમાં સામે આવ્યું કે, આ ઓનલાઈન બજારમાં મોટાભાગે થાઈલેન્ડથી મંગાવવામાં આવેલા ઊંચી કિંમતના હાઈબ્રિડ ગાંજાનું વેચાણ થતું હતું. થાઈલેન્ડમાં ગાંજાને કાયદેસરની માન્યતા હોવાથી ત્યાં તેની મોટા પાયે ખેતી થાય છે. ત્યાંથી પેડલરો દ્વારા ફ્લાઈટ અથવા ડાર્ક વેબ દ્વારા આંતરરાષ્ટ્રીય કુરિયર અને પાર્સલની આડમાં આ માલ મુંબઈ, દિલ્હી કે બેંગ્લોર જેવા શહેરોમાં ઉતારવામાં આવતો હતો. અહીંથી લોકલ પેડલરો મારફતે આ જથ્થો ગુજરાત અને અમદાવાદમાં પહોંચાડી તેના નાના નાના પેકેટ બનાવીને વેચવામાં આવતો હતો.

દેશી ગાંજા કરતાં 5 ગણો ખતરનાક હાઈબ્રિડ ગાંજો

સામાન્ય રીતે બજારમાં મળતો દેશી ગાંજો રૂ. 500 થી રૂ. 1000 માં 10 ગ્રામ મળતો હોય છે, પરંતુ થાઈલેન્ડથી આવતા આ હાઈબ્રિડ ગાંજાની માત્ર 1 ગ્રામની કિંમત રૂ. 2500 થી રૂ. 5000 સુધીની હોય છે. આ ગાંજો માટીને બદલે ખાસ પ્રકારના પોષક તત્વો ધરાવતા પાણી અને કૃત્રિમ લાઈટમાં ઉગાડવામાં આવે છે, જેના કારણે તેની ગુણવત્તા અને નશાની તીવ્રતા સામાન્ય ગાંજા કરતાં ઘણી વધારે અને ખતરનાક હોય છે.

હાલ અમદાવાદ સાયબર ક્રાઈમે આ પ્લેટફોર્મ પરથી મળેલી મહત્વપૂર્ણ ચેટ્સ અને UPI સ્કેનરના બેંક ખાતાઓના આધારે ટેલિગ્રામ ચેનલ તથા ડાર્ક વેબ સાઈટના સંચાલકો અને આંતરરાષ્ટ્રીય નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરી છે.