અમદાવાદમાં 951 ડ્રગ્સ પેડલરોને પોલીસની અંતિમ ચેતવણી, ફરી પકડાશે તો આજીવન કેદથી ફાંસી સુધીની સજા!

અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં જામીન પર બહાર આવેલા 951 પેડલરોને શાહીબાગ હેડક્વાર્ટર ખાતે બોલાવી પોલીસે કડક ચેતવણી આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 19 Nov 2026 09:57 AM (IST)Updated: Thu, 19 Nov 2026 09:57 AM (IST)
ahmedabad-951-drug-peddlers-police-final-warning-weekly-home-inspection

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ધમધમતા નેટવર્ક સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા એનસીબીની ટીમ દ્વારા સરખેજ વિસ્તારમાંથી એક ડ્રગ્સ બનવવાની ફેક્ટરી ઝડપી લીધા બાદ અમદાવાદ પોલીસે ડ્રગ્સ વેચતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની શરુ કરી છે. ડ્રગ્સના કેસોમાં જામીન પર બહાર ફરી રહેલા 951 ડ્રગ્સ પેડલરોને પોલીસે શાહીબાગ પોલીસ ક્વાર્ટર ખાતે એકઠા કર્યા હતા.

શાહીબાગ ખાતે ડ્રગ્સ પેડલરોને અંતિમ ચેતવણી

શહેરના જામીન પર બહાર ફરી રહેલા 951 આરોપીઓને પોલીસે યાદી તૈયાર કરીને બુધવારે શાહીબાગ હેડક્વાર્ટર ખાતે ભેગા કર્યા હતા. જ્યાં ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલે ચેતવણી આપી હતી કે, જો આરોપીઓ ફરીથી ડ્રગ્સના વેપારમાં જોડાશે કે વેચતા પકડાશે તો તેમને આજીવન કેદથી માંડીને ફાંસીની સજા થઈ શકે ઉપરાંત જામીન પણ નહીં મળે. તેવી આકરી ચેતવણી આપી હતી.

બીજી એજન્સી ડ્રગ્સ પકડે તો PI સસ્પેન્ડ

અમદાવાદ શહેરમાં અન્ય કોઈ સુરક્ષા એજન્સી ડ્રગ્સનો જથ્થો પકડી પાડશે. તેમજ કેસમાં તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની કોઈ સંડોવણી, બેદરકારી જણાશે તો સ્થાનિક પીઆઈ વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે અને જો ડ્રગ્સના એક કરતાં વધુ કિસ્સામાં કોઈ સંડોવણી જણાઈ તો સ્થાનિક પોલીસને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પોલીસ કરશે પેડલરોના ઘરની તપાસ

શાહીબાગમાં ટેન્ટ બાઁધીને પોલીસે ડ્રગ્સ પેડલરોની તમામ વિગતોને એક ફોર્મમાં લેખિત સ્વરુપે લીધી હતી. જેમાં ડ્રગ્સ પેડલરોના ઘરની વિગત, પરિવારના સભ્યોની માહિતી, પરિવારમાં કેટલા સભ્યો છે, કામ ધંધો શું છે. તેની સઘળી માહિતી ભરાવીને પોલીસ અધિકારીઓએ લીધી હતી. આ માહિતીને આધારે પોલીસ દર અઠવાડિયે ડ્રગ્સ પેડલરોના ઘરની ચકાસણી કરશે.