અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ આરોપી તથ્ય પટેલની કારમાં સવાર પાંચેય મિત્રો કોર્ટમાં પોતાના નિવેદનથી ફરી ગયા

ટ્રાયલ દરમિયાન ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સાથે જગુઆર કારમાં બેસેલા તેના મિત્રો શાન સોની, આર્યન પંચાલ, માલવિકા પટેલ, ધ્વની પંચાલ અને શ્રેયા પટેલ પોતે અગાઉ જે નિવેદન આપ્યું હતું તે નિવેદન પરથી ફરી ગયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 17 Nov 2026 03:39 PM (IST)Updated: Tue, 17 Nov 2026 03:39 PM (IST)
tathya-patel-case-latest-news-five-friends-who-accompanied-accused-during-iskcon-bridge-accident-retract-statements

Tathya Patel Accident Case News: ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદમાં બનેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ અકસ્માતના કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે ટ્રાયલ ચાલી રહી છે. અકસ્માત સમયે તથ્ય પટેલ સાથે કારમાં સવાર પાંચ મિત્રો પોતાના નિવેદનથી ફરી જતાં તેઓ હોસ્ટાઇલ જાહેર થયા છે. જોકે પોલીસ પાસે સમગ્ર ઘટનાના ટેક્નિકલ અને સાયન્ટિફિક પૂરવા ઉપલબ્ધ હોવાથી આ સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા હોવા છતાં કેસમાં નકારાત્મક અસર થવાની શક્યતા ખૂબ ઓછી છે.

ટ્રાયલ દરમિયાન સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ઇસ્કોન અકસ્માત બ્રિજના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલ દરમિયાન ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સાથે જગુઆર કારમાં બેસેલા તેના મિત્રો શાન સોની, આર્યન પંચાલ, માલવિકા પટેલ, ધ્વની પંચાલ અને શ્રેયા પટેલ પોતે અગાઉ જે નિવેદન આપ્યું હતું તે નિવેદન પરથી ફરી ગયા છે. આ પાંચેય સાક્ષીઓએ અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, જે સમયે અકસ્માત થયો એ સમયે તથ્ય પટેલ પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો. કાર ધીમી ચલાવવા માટે ટોકવામાં આવ્યો હોવા છતાં તે માન્યો ન હતો.

કેસમાં ઝડપનો મુદ્દો નબળો પડવાની શક્યતા નહિવત

નોંધનીય છેકે, સાક્ષીઓ હોસ્ટાઇલ થયા હોવા છતાં પણ આ કેસમાં કારની ઝડપ અંગેનો જે મુદ્દો છે તે નબળો પડે તેવી શક્યતા નહિવત છે. કારણ કે આ સમગ્ર બનાવ બન્યો એ એક બાઇકચાલકના કેમેરામાં કેદ થઇ ગયો હતો. કેમેરામાં કેદ થયેલી ઘટનાની દરેક ફ્રેમ ચકાસીને કારની ઝડપ કેટલી હતી તે નક્કી કરવામાં આવ્યું છે. તદુપરાંત કારની કંપનીના ટેક્નિકલ ડેટા, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ, આરટીઓ અને એફએસએલ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ કારની ઝડપ 140 કિ.મી. પ્રતિ કલાક હોવાનું સત્તાવાર રીતે પૂરવાર થયું છે.

શું હતો સમગ્ર બનાવ

આજથી ત્રણ વર્ષ પૂર્વે 19 જુલાઈ 2023ની મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એ દરમિયાન આરોપી તથ્ય પટેલ પોતાની જગુઆર કાર પૂરપાટ ઝડપે લઇને આવ્યો હતો અને લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે પોલીસકર્મી સહિત 9 લોકોના મોત નીપજ્યાં હતા. અકસ્માત સ્થળ પર હાજર લોકોએ તથ્ય પટેલે ઝડપી લીધો હતો અને માર માર્યો હતો. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કારમાં સવાર બે યુવક અને ત્રણ યુવતીઓની પણ એ સમયે અટકાયત કરવામા આવી હતી.