અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ 9 નિર્દોષને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ 3 દિવસના રિમાન્ડ પર, પિતા પ્રજ્ઞેશ પટેલને જેલહવાલે કરાયો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 21 Jul 2023 06:34 PM (IST)Updated: Fri, 21 Jul 2023 09:22 PM (IST)
ahmedabad-iskcon-bridge-accident-case-tathya-patel-who-killed-9-innocents-was-produced-in-court

Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈએ મોડી રાત્રે પૂરપાટ ઝડપે જગુઆર કાર દોડાવી 9 લોકોને કચડી નાંખ્યા હતા. આ કેસમાં જગુઆર ચલાવી રહેલા તથ્ય પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષના વકીલે લગભગ પોણો કલાક સુધી દલીલ કરી હતી. જે બાદ કોર્ટે આરોપી તથ્ય પટેલના સોમવારે 24 તારીખ સુધીના 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા હતા. સરકારી વકીલે આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળતો નથી. ગાડીમાં હાજર લોકોની પણ તપાસ જરુર છે. તેમજ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ કરવી જરુરી છે. આરોપી પોલીસ તપાસમાં યોગ્ય સાથ સહકાર નથી આપતો.

તો આરોપીના વકીલ નિસાર વૈદ્યએ રજૂઆત કરી હતી કે, 19 વર્ષનો છોકરો સિમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેના પર મીડિયા ટ્રાયલ થઈ. ઘટના સ્થળે 100 લોકોના ટોળાએ આરોપીને માર્યો. ઘટનાસ્થળેથી આરોપીના પિતા લઈ ગયા તો તેમણે પણ આરોપી બનાવવામાં આવ્યા.

કોર્ટ બહાર લોકોના ટોળા હોવાથી તથ્ય પટેલને કોર્ટમાં હાજર કરતી વખતે કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 3 પીઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે પરિસરમાં તેનાત કરવામાં આવ્યા હતા. અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં ડીજીપી દ્વારા પણ તથ્ય પટેલની પૂછપરછ કરવામાં આવી હતી.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જે દરમિયાન તથ્ય પટેલ નામનો નીબરો વૈભવી જગુઆર કાર પૂરપાટ ઝડપે હંકારીને બ્રિજ પર આવ્યો હતો. ત્યાં હાજર લોકો કંઇ સમજે એ પહેલા કાર લોકો પર ફરી વળી હતી. જેમાં બે પોલીસકર્મી સહિત 9 લોકોના મોત નીપજ્યાં હતા. આ બનાવમાં હાજર લોકોએ તથ્ય પટેલ નામના કાર ચાલકને પકડી પાડ્યો હતો અને માર માર્યો હતો.

અકસ્માત સ્થળ પર હાજર પોલીસ દ્વારા તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેની સાથે કારમાં રહેલા બે યુવક અને ત્રણ યુવતીની પણ અટકાયત કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને તથ્યનો બચાવ કરી રહ્યાં હતા. પોલીસ દ્વારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની રાત્રે અટકાયત કરવામાં આવી હતી. અકસ્માત બાદ ટોળાએ તથ્યને પકડ્યો ત્યારે તેણે કબૂલાત કરી હતી કે કારની સ્પીડ 120 કિ.મી. પ્રતિ કલાક કરતા વધુ હતી અને તેને કંઇ દેખાયુ ન હોવાથી બ્રેક મારી ન હતી.