Ahmedabad: T20 વર્લ્ડ કપ ફાઇનલનો રોમાંચ, ઇન્ટરનેશનલ પોપસ્ટાર રિકી માર્ટિન મોજ કરાવશે; ધોની-જયા કિશોરી અમદાવાદ પહોંચ્યા

T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં ઇન્ટરનેશનલ પોપ સુપરસ્ટાર રિકી માર્ટિન પરફોર્મ કરશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 08 Mar 2026 10:52 AM (IST)Updated: Sun, 08 Mar 2026 10:52 AM (IST)
t20-world-cup-final-pop-star-ricky-martin-dhoni-jaya-kishori-reach-ahmedabad
HIGHLIGHTS
  • અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેલિબ્રિટીનો જમાવડો હશે
  • મહેન્દ્રસિંગ ધોની-જયા કિશોરી અમાદવાદ પહોંચ્યા

T20 World Cup 2026 Final: આજે 8 માર્ચ, રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ ઐતિહાસિક મેચ જોવા માટે દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યાં છે. 

રિકી માર્ટિન-ફાલ્ગુની પાઠકનું પરફોર્મન્સ 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલાં, T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમની યોજાશે. આ સેરેમનીમાં ઇન્ટરનેશનલ પોપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પોપ સિંગર સુખવીર અને ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક શાનદાર પરફોર્મન્સ આપીને સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ સર્જશે. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો આવવાના હોવાથી સ્ટેડિયમ ક્રિકેટ ફેન્સથી હાઉસફૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે.

શહેરમાં VIP અને સેલિબ્રિટીઓનો મેળાવડો

આ રોમાંચક મેચને નિહાળવા માટે બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ એટલે કે 7 માર્ચે અમદાવાદ આવી પહોંચ્યા હતા. હવે તેઓ આજે મેચ નિહાળવા સ્ટેડિયમ પહોંચશે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

કથાકાર જયા કિશોરી અમદાવાદ પહોંચ્યા

જાણીતા કથાકાર જયા કિશોરી પણ મેચ નિહાળવા માટે આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમે ટીમને સપોર્ટ કરવા આવ્યા છીએ. ટીમ પર કોઈ જાતનું પ્રેશર બનાવવા નથી આવ્યા. આમ તો મારા ફેવરિટ પ્લેયર ધોની છે, પણ આજે હું પૂરી ટીમને સપોર્ટ કરવા આવી છું".

આ ઉપરાંત, હૈદરાબાદના પૂર્વ પોલિટિશિયન ટી રાજાસિંઘ પણ મેચ જોવા અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે ચાહકોના ઉત્સાહ વિશે વાત કરતા કહ્યું કે, "આજે હું તેલંગાણાની ફ્લાઇટમાં આવ્યો ત્યારે 80 થી 90 ટકા પબ્લિક મેચ જોવા જ આવી રહી હતી". વધુમાં તેઓએ દાવો કર્યો હતો કે આજે ઇન્ડિયા જ મેચ જીતશે.

ખેલાડીઓએ લીધા હનુમાનજીના આશીર્વાદ

T20 વર્લ્ડ કપના ફાઇનલ મહા મુકાબલા પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન સહિતના ક્રિકેટરોએ શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસરમાં જ આવેલા હનુમાનજીના મંદિરે જઈને દર્શન કર્યા હતા.

ક્રિકેટ ફેન્સ માટે વધારાની ફ્લાઇટ્સ

કોઈપણ ક્રિકેટ ચાહક આ ફાઇનલનો રોમાંચ માણવાથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 8 અને 9 માર્ચના રોજ અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, લખનૌ અને હૈદરાબાદ જેવા મહત્વના શહેરો વચ્ચે વધારાની કનેક્ટિવિટી આપવામાં આવી છે.