Ahmedabad: આજે T20 વર્લ્ડ કપ ફાઇનલનો મહાસંગ્રામ, ટ્રાફિકથી લઈ એરપોર્ટ અને મેટ્રો સુધીની સંપૂર્ણ માહિતી

પ્રેક્ષકોને બપોરે 3 વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 08 Mar 2026 09:06 AM (IST)Updated: Sun, 08 Mar 2026 09:07 AM (IST)
t20-world-cup-final-at-ahmedabad-narendra-modi-stadium-traffic-airport-metro-guide
HIGHLIGHTS
  • આજે અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકો ઉમટશે
  • ટ્રાફિક, મેટ્રો અને એરપોર્ટની સંપૂર્ણ માર્ગદર્શિકા

T20 World Cup 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી આ મેચ જોવા લાખોની સંખ્યામાં પ્રેક્ષકો અને VIP મહેમાનો ઉમટી પડશે. ત્યારે અમદાવાદ પોલીસ, એરપોર્ટ ઓથોરિટી અને મેટ્રો તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. પ્રેક્ષકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે ધસારો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ અને મુસાફરોની ભારે ભીડ જોવા મળશે. વધુમાં, પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા ઇન્ડિગો, અકાસા, સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી.

  • રવિવારે એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ શેડ્યુલની 260 ફ્લાઈટ
  • આ ઉપરાંત વધારાની 30 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ થશે
  • ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝના 80 જેટલા પ્રાઈવેટ જેટ પણ આવશે
  • 350થી વધુ ફ્લાઈટ અને અંદાજે 45 હજાર પેસેન્જરોની અવરજવર નોંધાશે
  • મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુ રૂટ પર 5400 વધારાની સીટોની વ્યવસ્થા
  • વધારાની ફ્લાઈન માટે 80 ટકા બુકિંગ થઈ ગયું

ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક રસ્તા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે રસ્તાઓ બંધ કરી વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા છે.

  • બંધ રસ્તો: જનપથ ટી સર્કલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સીથી મોટેરા ગામ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે.
  • વૈકલ્પિક રૂટ: વાહનચાલકોએ તપોવન સર્કલથી વિસત, જનપથ ટી, પાવર હાઉસ થઈ પ્રબોધ રાવળ સર્કલ જઈ શકાશે. તેમજ કૃપા રેસિડેન્સીથી ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

સ્ટેડિયમ પર કડક સુરક્ષા વ્યવસ્થા

પ્રેક્ષકોને બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. ગેટથી 100 મીટર દૂર ટિકિટ અને સિક્યોરિટી ચેકિંગ શરૂ થશે, જ્યાં મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. ચેકિંગમાં 5-10 મિનિટ અને ત્યાંથી સીટ સુધી પહોંચવામાં બીજી 25 મિનિટનો સમય લાગી શકે છે.

  • શું લઈ જઈ શકાશે? ટિકિટ, ફોન, પર્સ, ચશ્માં, કેપ, જરૂરી દવાઓ અને લાકડી કે પ્લાસ્ટિકની ડંડી વિનાના ધ્વજ.
  • શું નહીં લઈ જઈ શકાય? પાણીની બોટલ, ફટાકડા, લેપટોપ, સોફ્ટ ડ્રિંક, માચિસ, લાઇટર, છત્રી, હેલ્મેટ, પાવર બેંક, સેલ્ફી સ્ટિક, લેસર લાઇટ, હોર્ન અને મોટી બેગ પર સખત પ્રતિબંધ છે.
  • સુરક્ષા કાફલો: 2000 પોલીસ અધિકારી-કર્મચારી, 800 ટ્રાફિક પોલીસ, 4 બોમ્બ સ્કવોડ, 8 ફાયર બ્રિગેડની ગાડીઓ અને 55 ફાયર સ્ટાફ ખડેપગે રહેશે.

પાર્કિંગ માટે 'શો માય પાર્કિંગ' એપ

વાહનોના પાર્કિંગ માટે સ્ટેડિયમથી દોઢથી 2 કિલોમીટરના અંતરે 8 અલગ-અલગ પેઈડ પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 6 હજાર વાહનોની ક્ષમતા છે. પ્રેક્ષકો 'શો માય પાર્કિંગ' (Show My Parking) એપ દ્વારા ઘરેથી જ ઓનલાઇન પાર્કિંગ સ્લોટ બુક કરી શકશે. આ ઉપરાંત સ્થાનિકોએ પણ હંગામી ચાર્જેબલ પાર્કિંગ બનાવ્યા છે.

મેટ્રો અને લોકલ ટ્રાન્સપોર્ટની સુવિધા

  • ભીડથી બચવા માટે મેટ્રો અને લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ રહેશે.
  • મેટ્રો ટ્રેન દર 7 મિનિટે ઉપલબ્ધ રહેશે, જે તમને સ્ટેડિયમના ગેટ નંબર 1 થી માત્ર 300 મીટર દૂર ઉતારશે.
  • સિટી બસ AMTS અને BRTS દર 12 થી 15 મિનિટે મળશે, પરંતુ બસમાં આવનાર મુસાફરોએ 1 થી દોઢ કિલોમીટર ચાલીને સ્ટેડિયમ સુધી જવું પડશે.
  • મેચ પૂરી થયા બાદ પ્રેક્ષકોની સુવિધા માટે રાત્રે 2 વાગ્યા સુધી લોકલ ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ રહેશે.