Muktajivan Swamibapa’s 119th Jayanti: સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે સ્વામિનારાયણ ગાદીના આધ્યઆચાર્યપ્રવર મુકતજીવન સ્વામીબાપાની 119 મી પ્રાગટ્ય જયંતિ તેમજ માનવ સેવા અભિયાન અંતર્ગત વિધવા, સગર્ભા, પોષણયુક્ત આહાર તેમજ જરૂરિયાત મંદ ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે રૂપિયા 12 લાખનું દાન કરવામાં આવ્યું હતું.
મુક્તજીવન સ્વામીબાપાની પ્રાગટ્ય જયંતિએ વૈદિક પૂજન, અર્ચન, પાદપ્રક્ષાલન, આરતી તથા પુષ્પ, શર્કરા, પૂંગી ફળ, શ્રીફળથી પૂજન તથા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિ માટેની ધૂન રેલાવી હતી.
સ્વામિનારાયણ ગાદીના આધ્યઆચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાએ ટેપ દ્વારા આશિર્વાદમાં જણાવ્યું હતું કે મૂર્તિમાં સમાય તે સંત તેમજ સાચા સંતને તંત ન હોય અને સાચા સંત જ જન્મ મરણના ફેરામાંથી મુકત કરાવી શકે છે.
આ પ્રસંગે જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્ય જીવનમાં સંસ્કાર, ધાર્મિકતા, વ્યસનરહિતનું જીવન તથા અંધશ્રધ્ધાથી મુકત થવા તેમજ કાળ, કર્મ, માયા અને ભય રહિતનું જીવન જીવવા અનુરોધ કર્યો હતો.મુક્તજીવન સ્વામીબાપા સ્મુતિ મંદિર - વિશ્વશાંતિ કેન્દ્ર, ઘોડાસરનો 35 મો વાર્ષિક પાટોત્સવ પણ દેશ વિદેશના હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.
