અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત જટિલ CVJ સર્જરી સફળ, રાજસ્થાનના 17 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક્સ અને સ્પાઇન સર્જરી વિભાગે રાજસ્થાનના 17 વર્ષીય પથારીવશ યુવાનની જટિલ CVJ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી નવું જીવન આપ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 14 Oct 2026 11:53 PM (IST)Updated: Wed, 14 Oct 2026 11:53 PM (IST)
sola-civil-hospital-first-successful-cvj-surgery-in-ahmedabad

Sola Civil Hospital: ગુજરાતની સરકારી આરોગ્ય સેવા ક્ષેત્રે અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલે એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલના ઓર્થોપેડિક્સ અને સ્પાઇન સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ પ્રથમ વખત અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી ક્રેનિયોવર્ટિબ્રલ જંક્શન (CVJ - Craniovertebral Junction) સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યાથી પીડાતા અને છેલ્લા 4 મહિનાથી પથારીવશ 17 વર્ષીય યુવાન માટે આ સચોટ સારવાર આશાનું નવું કિરણ બનીને આવી છે.

1 વર્ષથી નબળાઈ અને 4 મહિનાથી પથારીવશ હતો યુવાન

રાજસ્થાનના બાડમેર જિલ્લાનો 17 વર્ષીય યુવાન છેલ્લા એક વર્ષથી બે હાથ અને બંને પગમાં ગંભીર નબળાઈ અનુભવી રહ્યો હતો. સ્થિતિ વધુ વણસતા તે છેલ્લા ચાર મહિનાથી સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયો હતો. તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે દર્દી બેસિલર ઇન્વેજિનેશન (Basilar Invagination) અને કરોડરજ્જુ પર અસામાન્ય દબાણ (Spinal Cord Compression)ની સમસ્યાથી પીડાતો હતો. આ સ્થિતિમાં ખોપરીના નીચેના હાડકાની રચનામાં ફેરફાર થવાના કારણે કરોડરજ્જુ પર ભારે દબાણ આવે છે, જે શરીરના અંગોની કાર્યક્ષમતા રોકી દે છે.

ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ સામે સોલા સિવિલમાં મફત અદ્યતન સારવાર

દર્દીના પરિવારજનોએ આ ગંભીર બીમારીની સારવાર માટે રાજસ્થાન અને ગુજરાતની અનેક ખાનગી તેમ જ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોના ચક્કર કાપ્યા હતા. જોકે આ ઓપરેશન અત્યંત જટિલ, જોખમી અને લાખો રૂપિયાના ખર્ચવાળું હોવાથી આર્થિક રીતે નબળા પરિવારે અંતે સોલા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

તબીબોએ તમામ જરૂરી ન્યુરોલોજિકલ ટેસ્ટ અને રિપોર્ટ્સ કર્યા બાદ ઓક્સિપિટો-સર્વાઇકલ ફિક્સેશન (Occipito-Cervical Fixation) નામની સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.

અત્યાધુનિક ટેક્નોલોજીથી ઓપરેશન સફળ

માનવ શરીરમાં ખોપરી અને ગરદનના પ્રથમ મણકાનું જોડાણ સ્થળ (CVJ) અત્યંત સંવેદનશીલ ગણાય છે, કારણ કે ત્યાંથી શરીરની મુખ્ય નસો અને કરોડરજ્જુ પસાર થાય છે. ઓપરેશન દરમિયાન સહેજ પણ ભૂલથી દર્દીને કાયમી લકવો થઈ શકે છે કે જીવનનું જોખમ ઊભું થઈ શકે છે.

સર્જરી દરમિયાન કોઈ પણ નસને નુકસાન ન થાય તે માટે ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરોમોનિટરિંગ (Intraoperative Neuromonitoring) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓર્થોપેડિક્સ, સ્પાઇન સર્જરી અને એનેસ્થેસિયા ટીમના સચોટ સંકલનથી આ હાઈ-રિસ્ક સર્જરી સફળ રહી હતી.

સર્જરી બાદ યુવાનના હાથ-પગની શક્તિમાં નોંધપાત્ર સુધારો

ઓપરેશન પૂર્ણ થયા બાદ જ દર્દીના હાથ અને પગમાં સંવેદના અને શક્તિ પાછી આવવા લાગી હતી. સરકારી હોસ્પિટલમાં આવી અત્યાધુનિક અને દુર્લભ સ્પાઇન સર્જરી મફત અને સફળતાપૂર્વક થવાથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સોલા સિવિલ હોસ્પિટલ એક સંજીવની સમાન સાબિત થઈ રહી છે.