Sola Civil Hospital Achievement: અમદાવાદ સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સોલા સિવિલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. હોસ્પિટલના કુશળ ઓર્થોપેડિક વિભાગ દ્વારા તા. 23 સપ્ટેમ્બર 2026ના રોજ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કુલ 13 જેટલી અત્યંત જટિલ અને પડકારજનક ઓર્થોપેડિક સર્જરીઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ સિદ્ધિથી હોસ્પિટલની કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત થઈ છે.
કયા પ્રકારની સર્જરીઓ રહી સામેલ?
આ એક જ દિવસમાં કરાયેલી 13 જટિલ સર્જરીઓમાં દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચે મુજબના ઓપરેશનો કરવામાં આવ્યા હતા:
- 3 ટોટલ ની-રિપ્લેસમેન્ટ
- 1 યુનિકોન્ડાઇલર ની-રિપ્લેસમેન્ટ
- સ્કેફોઇડ નોન-યુનિયન માટે બોન ગ્રાફ્ટ તથા ફિક્સેશન
- વિવિધ પ્રકારની અન્ય ગંભીર ટ્રોમા સર્જરીઓ
'PMJAY-મા' યોજના બની આશાનું કિરણ
આ સમગ્ર સફળતાનો સૌથી સંતોષજનક ભાગ એ છે કે આ તમામ જરૂરિયાતમંદ અને ગરીબ લાભાર્થી દર્દીઓને ‘PMJAY-મા’ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સંપૂર્ણપણે મફત અને ઉત્તમ ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવી છે. આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે મોંઘી સાબિત થતી આ સર્જરીઓ સરકારી સહાયથી નિઃશુલ્ક થવાથી દર્દીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

નિષ્ણાત તબીબી ટીમનું ઉત્કૃષ્ટ સંકલન
આટલી મોટી સંખ્યામાં જટિલ ઓપરેશનો એક જ દિવસે પાર પાડવા પાછળ માત્ર એક વિભાગની નહીં, પરંતુ અનેક ટીમોનો સિંહફાળો છે. ઓર્થોપેડિક સર્જનોની સાથે-સાથે એનેસ્થેસિયા ટીમ, ફિઝિશિયન, રેડિયોલોજી વિભાગ, નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓના સુમેળભર્યા સંકલનને કારણે આ મુશ્કેલ મિશન સફળ બન્યું છે. ઓપરેશન દરમિયાન દર્દીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ હતી.
છેવાડાના માનવી સુધી આધુનિક આરોગ્ય સેવાઓ
રાજ્ય સરકારના સક્રિય સહયોગ અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આભારી છે કે આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલોને ટક્કર આપે તેવી આધુનિક સુવિધાઓ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવી રહી છે. હોસ્પિટલ પ્રશાસનનો મુખ્ય સંકલ્પ એ જ છે કે છેવાડાના અને પાયાના સ્તરે બેઠેલા દરેક દર્દી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ સતત અને સરળતાથી પહોંચતી રહે.
