Ahmedabad News: વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે 50થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. અને શાકમાર્કેટ ન બનવાને લઈને રજૂઆત કરી હતી. જોકે, ધારાસભ્ય આ મામલે કોર્પોરેટરો અને સ્થાનિક પાંચ લોકોને સાથે લઈ જઈને કમિશનર સમક્ષ રજૂઆત કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં શાક માર્કેટ બનાવવામાં આવી રહી છે, ત્યારે કેટલાક સ્થળો પર શાક માર્કેટને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના વસ્ત્રાલની ચિત્રકૂટ બંગ્લોઝ, કેદાર હોમ્સ અને નીલકંઠ બંગલોઝના રહેવાસીઓ દ્વારા તેમના સોસાયટીની બાજુમાં બની રહેલી શાકમાર્કેટને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સોસાયટીની બાજુમાં શાકમાર્કેટ બનતી હોવાથી ન્યુસન્સ થઇ શકે છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરી હતી. ત્યારે તેઓએ કહ્યું હતું કે, અમે આગળ રજૂઆત કરીશું.
એક સ્થાનિકે જણાવ્યું કે, અમારી સોસાયટી સહિત 3 સોસાયટીઓની વચ્ચે એક શાક માર્કેટ બનાવવામાં આવી રહી છે. ગત 7 મહિનામાં શાકમાર્કેટ ન બને તેના માટે કમિશનર, ડેપ્યુટી કમિશનર અને કોર્પોરેટરોને અરજી કરવામાં આવી હતી. એક મહિના પહેલા પણ કોર્પોરેટરોને અમે આ મામલે મળવા ગયા હતા, તો તેઓએ કહ્યું હતું કે અમે આગળ રજૂઆત કરીશું. પરંતુ કોઈ રજૂઆત થઈ નથી અને કામ ચાલુ છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે, ભાજપના કોર્પોરેટર અનિરુદ્ધસિંહ ઝાલા અને પરેશ પટેલને પણ અમે રજૂઆત કરી હતી. ટેલીફોનિક રજૂઆત અને અરજી પણ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નથી. 7 મા મહિનામાં રજૂઆત કરી હતી. ત્યારબાદ 11 મા મહિનામાં પણ રજૂઆત કરી હતી. શાકમાર્કેટ બનાવવાને લઈને વિરોધ કરવામાં આવે છે, તેનો કોઈ નિકાલ નથી આવી રહ્યો.
