Ahmedabad News: આજના આધુનિક અને ઝડપી યુગમાં દર બીજી વ્યક્તિ અશાંત ઉંઘ કે નિંદ્રાહિનતાથી પીડાઈ રહી છે. મોટા ભાગના લોકો માને છે કે, માત્ર પથારીમાં વધારે સમય વિતાવવાથી શરીરને આરામ મળે છે. પરંતુ તબીબોના મતે ઊંઘના કલાકો કરતાં ઊંઘની ગુણવત્તા વધુ મહત્વ ધરાવે છે. અમદાવાદના ક્લબ બેબીલોન ખાતે આયોજિત ત્રણ દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દેશ-વિદેશના 250થી વધારે સ્લીપ સ્પેશિયાલિસ્ટોએ ઊંઘ અને મગજના રિચાર્જિંગ પર મહત્વનું મંથન કર્યું હતું.
ઓછી ઉંઘથી શરીર પર શું અસર થઈ શકે
ઊંઘ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી જો વ્યક્તિ ઊંઘે નહીં તો તેના શરીર પર ઘણી વિપરિત અસર પડે છે. ઊઁઘના અભાવથી ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઓબેસિટી અને હાર્ટ એટેકનું જોખમ થઈ શકે છે. તેમજ વ્યક્તિના મગજની કાર્યક્ષમતા ઘટે છે, તે ડિપ્રેશન, એન્ઝાયટી, અલ્ઝાઈમર કે માનસિક તણાવ ને સ્ટ્રોકનો ભોગ બને છે.
ગાઢ અને સ્વસ્થ ઊંઘ મેળવવા શું કરવું જોઈએ?
- સ્ક્રીન ટાઈમ બંધ કરો: સૂવાના 1 કલાક પહેલાં ફોન, લેપટોપ કે ટીવી બંધ કરી દો. આ ઉપકરણોમાંથી નીકળતી બ્લુ લાઈટ નેચરલ બાયોલોજિકલ સાઇકલને ખોરવે છે.
- અંધારુ જરુરી: રુમમાં સંપૂર્ણ અંધારુ રાખવાથી ઊંઘ લાવવા માટે જવાબદાર મેલાટોનિન હોર્મોન મોટા પ્રમાણમાં રિલીઝ થાય છે .
- યોગ્ય તાપમાન: રુમનું તાપમાન 18થી 22 ડિગ્રી સેલ્સિયસ રાખવાથી શરીરનું ટેમ્પરેચર ઘટે છે અને ઝડપથી ગાઢ ઊંઘ આવે છે.
- નિયમિત સમય: દરરોજ ઊંઘવાનો અને જાગવાનો સમય એક સરખો રાખવો.
- સુવાની સાચી પોઝિશન: ડાબી બાજુ સૂવુ સૌથી શ્રેષ્ઠ છે,જેનાથી પાચન સુધરે છે અને એસિડિટી ઘટવાથી રક્તપરિભ્રમણ સરળ રહે છે.
ઊંઘના ચાર મુખ્ય પ્રકારો
- હળવી ઊંઘ (N-1) : આ જાગવા અને ઊંઘ વચ્ચેનો પ્રારંભનો તબક્કો છે. જેમાં સામાન્ય અવાજ થતાં પણ વ્યક્તિ તુરંત જાગી જાય છે.
- મઘ્યમ ઊંઘ (N-2): આ ઊંઘમાં શરીરનું તાપમાન અને ધબકારા ઘટે છે. આપણે કુલ ઊંઘનો સૌથી વધુ સમય લગભગ 50 ટકા આ તબક્કામાં વિતાવીએ છીએ.
- અતિ ગાઢ ઊઁઘ (N-3): આ ઊંઘનો રિકવરી તબક્કો છે. જેમાં શરીરના કોષોનું રિપેરિંગ, રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે, તેમજ થાક દૂર થાય છે.
- REM ફાઈનલ સ્ટેજ (સપનાનો તબક્કો): આ તબક્કામાં આખોના ડોળા ઝડપથી ફરે છે અને મગજ વધારે સક્રિય બનીને સપના જુએ છે. તે માટે માનસિક તાજગી, ઇમોશનલ બેલેન્સ અને યાદશક્તિ વધારે જરુરી છે.
ઊંઘવાની યોગ્ય સ્થિતિ
- ડાબી બાજુ સૂવું (શ્રેષ્ઠ): પાચન સુધારે છે, એસિડિટી ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રાખે છે.
- સીધા સૂવું (મધ્યમ): કરોડરજ્જુ અને ગરદન માટે સારું, પણ ઘોરવાની કે સ્લીપ એપ્નિયાની તકલીફ હોય તેમણે આ ટાળવું.
- ઊંધા સૂવું (અયોગ્ય): પેટના બળે સૂવાથી ગરદન અને મણકા પર દબાણ આવે છે, જેનાથી કમર અને ગળાનો દુખાવો થઈ શકે છે.
