અમદાવાદ: ઈસ્કોનથી સાણંદ સર્કલ સુધીનો એલિવેટેડ ફ્લાયઓવર ક્યારે શરૂ થશે? તંત્રએ જાહેર કરી નવી તારીખ

આ બ્રિજ શરૂ થતા YMCA, કર્ણાવતી ક્લબ તથા પ્રહલાદનગર સર્કલ જેવા ભારે ટ્રાફિક ધરાવતા જંકશન પર ઊભા રહેવું નહીં પડે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 14 Oct 2026 09:03 AM (IST)Updated: Wed, 14 Oct 2026 09:03 AM (IST)
sg-highway-iskcon-sanand-circle-elevated-flyover-likely-to-open-by-diwali-ahmedabad-traffic-update

SG Highway Elevated Flyover Project: અમદાવાદના સૌથી વ્યસ્ત એવા SG હાઈવે પર ટ્રાફિકનું ભારે ભારણ ઘટાડવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ઈસ્કોનથી સાણંદ સર્કલ સુધી નિર્માણ પામી રહેલો 4 કિમી લાંબો અને 6 લેનનો એલિવેટેડ ફ્લાયઓવર દિવાળી સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતા જ દૈનિક દોઢ લાખ જેટલા વાહનચાલકોને કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

વ્યસ્ત જંક્શનોમાંથી મુક્તિ અને રેમ્પ સુવિધા

હાલના સમયે સાણંદથી ગાંધીનગર તરફ જતા વાહનચાલકોને ઝાયડસ અને SGVP હોસ્પિટલ વિસ્તાર ઉપરાંત કર્ણાવતી ક્લબ અને પ્રહલાદનગર ગાર્ડન સર્કલ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ નવો એલિવેટેડ બ્રિજ શરૂ થવાથી વાહનચાલકો સીધા જ આ સર્કલો ઉપરથી ઝડપથી પસાર થઈ શકશે. વાહનચાલકોએ YMCA, કર્ણાવતી ક્લબ અને પ્રહલાદનગર સર્કલ જેવા વ્યસ્ત જંક્શનો પર ટ્રાફિકમાં ઊભા રહેવું નહીં પડે.

જે વાહનચાલકોએ આ સ્થાનિક વિસ્તારમાં જવું હોય, તેમના માટે બ્રિજ પર ચડવા-ઉતરવા માટે ખાસ 4 રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રેમ્પની કામગીરી 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, જેનાથી સ્થાનિક વાહનવ્યવહાર પણ અત્યંત સુગમ બનશે. સાણંદ સર્કલ તરફ બ્રિજના છેડા સુધીનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ એલિવેટેડ બ્રિજ સાકાર થવાથી અમદાવાદના આંતરિક વાહન વ્યવહારની સાથે સૌરાષ્ટ્ર અને ગાંધીનગર તરફ જતા લાંબા અંતરના વાહનોની ગતિમાં પણ મોટો વધારો થશે.

બ્રિજ નીચે આધુનિક સુરક્ષા અને પાર્કિંગ વ્યવસ્થા

આ બ્રિજના નિર્માણ સાથે સુરક્ષા અને વાહનચાલકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બ્રિજની નીચે પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે, તેમજ સુરક્ષા માટે CCTV કેમેરા અને આધુનિક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે. NHAI ના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટની મૂળ ટેન્ડર કોસ્ટ રૂ. 385 કરોડ હતી, જ્યારે તેનો આખરી કુલ ખર્ચ રૂ. 530 કરોડથી વધુ થશે.

નર્મદા કેનાલ બ્રિજ અને છારોડી ઓવરબ્રિજ ક્યારે બનશે?

આ ઉપરાંત, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગોતાથી વૈષ્ણોદેવી ખોડિયાર પાસે નર્મદા કેનાલ પર રૂ. 35 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા બ્રિજનું કામ આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. જ્યારે રૂ. 45 કરોડના ખર્ચે બની રહેલા છારોડી ઓવરબ્રિજનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂરું થશે.

ટ્રાફિક ઘટાડવા માટે છારોડી નર્મદા કેનાલ પર મુખ્ય બ્રિજની બંને બાજુ ચાર-ચાર લેન મળી કુલ આઠ લેન તેમજ 60 મીટર પહોળો ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેનાથી રોજના આશરે 25 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે. આ સિવાય વૈષ્ણોદેવી પાસે VUP - વ્હીક્યુલર અન્ડરપાસ પણ બનાવવામાં આવશે. આ બંને બ્રિજ પાછળ અંદાજે રૂ. 80 કરોડનો કુલ ખર્ચ થશે.