"સેવન્થ ડે શાળા સરકાર હસ્તક લેવાનો નિર્ણય યોગ્ય", ઝડપી સુનાવણીની અરજી પર હાઈકોર્ટે કરી ટકોર

સેવન્થ ડે સ્કૂલ સંચાલન દ્વારા કેસની ઝડપી સુનાવણી કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી, જેના પર હાઈકોર્ટે શાળા સંચાલનને મહત્વપૂર્ણ ટકોર કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 24 Jan 2026 11:04 AM (IST)Updated: Sat, 24 Jan 2026 11:04 AM (IST)
seventh-day-school-appeal-for-expedited-hearing-gujarat-high-court-remark
HIGHLIGHTS
  • સેવન્થ ડે સ્કૂલ સંચાલને ઝડપી સુનાવણી કરવા અરજી કરી
  • ગુજરાત હાઇકોર્ટે સેવન્થ ડે શાળાને મહત્વપૂર્ણ ટકોર કરી
  • સેવન્થ ડે શાળા સરકાર હસ્તક લેવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો

Seventh Day School Case: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતના કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ વચ્ચે શાળાનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે સેવન્થ ડે સ્કૂલ સંચાલન દ્વારા આ કેસની ઝડપી સુનાવણી કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટે શાળા સંચાલનને કેટલીક મહત્વપૂર્ણ ટકોર કરી હતી.

શાળા સંચાલને કરી ઝડપી સુનાવણીની રજૂઆત  

શાળા સંચાલને રજૂઆત કરી હતી કે, તેમણે અત્યાર સુધીની તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તેમણે પ્રિન્સિપાલને બદલી કાઢ્યા છે. હવે પછી આ ઘટનાનું પુનરાવર્તન નહીં થાય. જેની સામે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, તમે તમારા કોઈ પરિચિતના બાળકને આ સ્કૂલમાં મૂકવા માટે સલાહ આપશો?

ગુજરાત હાઈકોર્ટે કરી ટકોર

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોઈ વાલી પોતાના બાળકને ચપ્પાના ઘા ખાવા તમારી સ્કૂલમાં મોકલે? સરકારે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે. તમે તપાસમાં સહકાર નહીં આપતા હોવાની અને બેદરકારી સ્પષ્ટ રીતે બહાર આવી છે. મૃતક બાળકના માતા-પિતાના સપના તમે પૂરા કરી શકવાના છો? શું તમે તેમનું બાળક પાછું લાવી શકશો? તમારી સ્કૂલના વોચમેન પણ ઊંઘતા ઝડપાયા છે. આવી સ્કૂલને સંચાલન સોંપી શકાય નહીં.

શાળા સરકાર હસ્તક લેવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો

સરકારી વકીલે દલીલ કરી હતી કે, સંચાલકો ફી રોકડમાં લેતા હતા, તેનો સ્પષ્ટ હિસાબ ક્યારેય DEO ને આપ્યો નથી. તપાસ કમિટીએ જે દસ્તાવેજો માગ્યા તે પૈકી કોઈ પેપર રજૂ કર્યા નથી. કોર્ટે સંચાલકોને એવો સવાલ કર્યો હતો કે, મૃત્યુ પામેલા બાળકને તમે જીવંત કરી શકશો? આમ ગુજરાત હાઈકોર્ટે સેવન્થ ડે શાળાનું સંચાલન સરકાર હસ્તક લેવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.