Sattvik Food Festival 2024: સાત્વિક ફૂડ ફેસ્ટિવલની રાહ જોઈ રહેલા લોકો માટે આ કામના સમાચાર છે. 22મો ટ્રેડિશનલ ફૂડ અને ન્યુટ્રિશનલ ફેસ્ટિવલ 28થી 31 ડિસેમ્બર 2024 દમિયાન યોજાશે. આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ આ વર્ષે 4 દિવસ માટે યોજાશે. આ ફૂડ ફેસ્ટિવલનો સમય સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધીનો છે.
આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ ફૂડ ફેસ્ટિલમાં અનેક વિસરાતી વાનગીઓનો સ્વાદ લોકો માણે છે. આ વિસરાતી વાગનીઓના કારણે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ ઘણો લોકપ્રિય થયો છે.
આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની બીજી વિશેષતા એ છે કે અહીં તમને વિસરાતી વાનગીઓ સાથે ઓર્ગેનિક ખેત ઉત્પાદનો અને ઈકો ફ્રેન્ડલી એગ્રો પ્રોડક્ટ પણ મળશે. એટલે કે તમે ઓર્ગેનિક ખાનપાનની વસ્તુઓમાં તમે માણો છો તે પણ તમને અહીંથી મળશે. સાથે તમને હસ્તકલા, માટીકામ, લોક નૃત્ય અને ગીતો, ગ્રાસરૂટ ઇનોવેશન્સનું પ્રદર્શન, કૃષિ આધારિત સ્ટાર્ટઅપ પણ જોવા મળશે.
સાત્ત્વિકમાં રજૂ થનાર મુખ્ય વાનગીઓની ઝલક
લીલી હળદરનું શાક, પાંચ ધાન્યનો રોટલો, સાત ધાન્યનો ખીચડો, ખજૂરનું શાક, લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો, બાજરી-મકાઈ-જુવારના રોટલા, ટુક્કડ, કઢી, પાનકી, લીટી ચોખા, થાલીપીઠ, રતાળુ પેટીસ, સોયાબીન ચા, સુરતી ઉંધિયું, ખજૂર-અંજીરની વેડમી, જુવાર પોંકની ટિક્કી, બાજરાનો ખીચડો, સરગવાનો સૂપ, મકાઈની રાબ, કેળા અને ઓટની બ્રાઉની, મહુડાના લાડુ, નારિયેળની રબડી, મિલેટ માલપુઆ, ચાપડી તાવો, રસાવાળા મુઠીયા, રાગીના ગુલાબ જાંબુ, રાગીની ઇડલી, ઉંબાડિયું, કુંવારપાઠુના ફૂલનું શાક, ઉંમરાના ફળનું શાક, ડાંગી થાળી, રાગી લાડુ, રાગીની ટિક્કી ચાટ, મોરિયાના દહીંવડા, ચીલની ભાજીના પરોઠા, રાજગરાની સુખડી, પાલખની જલેબી, શીંગોડા ચાટ અને બીજી અનેક વાનગીઓની લિજ્જત માણી શકશો.
સાત્ત્વિક મહોત્સવના મુખ્ય આકર્ષણો
- 400 થી વધુ પારંપરિક વીસરાતી વાનગીઓનું જમણ..
- પ્રાકૃતિક ખેત પેદાશો ખેડૂતો પાસેથી ખરીદવાની તક (સીંગતેલ, તલતેલ, મસાલા, કઠોળ, ખેડૂતોના મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો)
- ગ્રામીણ સંશોધકોની શોધનું પ્રદર્શન
- મિલેટ પ્રદર્શન
- વિદ્યાર્થીઓ માટે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ