Ahmedabad News: અમદાવાદ શહેરના સાંતેજ પાસે ખાત્રજ-કલોલ રોડ પર આવેલા પ્રખ્યાત મંડળી ગરબા મહોત્સવમાં મોડી રાત્રે ગંભીર ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર બહાર પાસ વગર એન્ટ્રી મેળવવા બાબતે બાઉન્સરો અને કેટલાક અસામાજિક તત્વો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ઉગ્ર બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન બાઉન્સરો અને યુવકો ખુલ્લી તલવારો અને લાકડીઓ લઈને સામસામે દોડતાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ગેરકાયદેસર પ્રવેશ મુદ્દે ઝધડો
મળતી માહિતી પ્રમાણે, સાંતેજ ખાતે આવેલી મંડળી ગરબોત્સવમાં કેટલાક અસામાજિક તત્વો કોઈ પાસ કે પરમિશન વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટી સ્ટાફે તેમને ગેટ પર જ અટકાવી દેતાં બંને પક્ષે ઉગ્ર દલીલો શરુ થઈ હતી. આથી સ્થિતિ ખૂબ જ વણસી ગઈ કે લાકડીઓ અને તલવારો લઈને બાઉન્સરો અને અસામાજિક તત્વો એકબીજા સામે આવી ગયા. આથી સરેઆમ ધીંગાણું ખેલાયું હતું.
ખેલૈયાઓમાં ભયનો માહોલ
મોંઘાદાટ પાસ ખરીદીને પરિવાર સાથે અને મિત્રો સાથે આવેલા ખેલૈયાઓએ જ્યારે આ ભયાનક દ્રશ્ય જોયું તો ભારે ભય પામી ગયા હતા. ગ્રાઉન્ડના મેઇન ગેટ પાસે ખુલ્લી તલવારો અને ધોકા જોઈને મહિલાઓ, બાળકો અને યુવતીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હિંસક ઘટનાનો વીડિયો સોશિય મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચાઓ જાગી છે.
પોલીસ કાફલો ઘટના સ્થળે
જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ તો સાંતેજ પોલીસ અને ગાંધીનગર જિલ્લા એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેંળવ્યો હતો.જ્યારે આવી ઘટના બનતાં ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
