સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર: હવે આ નવા રૂટ પર દોડશે ટ્રેન, મુસાફરોને મળશે સુવિધા

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં રેલવે દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન નવા રૂટ પર દોડશે. જાણો ટ્રેનનો નવો સમય અને સ્ટોપેજની સંપૂર્ણ વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 12 Jun 2026 06:02 PM (IST)Updated: Fri, 12 Jun 2026 06:02 PM (IST)
sabarmati-veraval-vande-bharat-express-route-change-news

Vande Bharat Route Change: ગુજરાતમાં રેલવે મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદને સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ સાથે જોડતી પ્રતિષ્ઠિત સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં રેલવે મંત્રાલય દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે ટ્રેનનો રૂટ બદલાતા મુસાફરોને નવી સુવિધા મળશે.

નવો રૂટ અને સમય

હાલમાં આ ટ્રેન વિરમગામ-સુરેન્દ્રનગર-રાજકોટ-જેતલસર-જૂનાગઢ થઈને દોડે છે, પરંતુ હવે રેલવે દ્વારા મંજૂરી મળ્યા બાદ આ સેમી-હાઈસ્પીડ ટ્રેન બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ પર દોડશે.

નવા સમયપત્રક મુજબ

  • ટ્રેન નંબર 26901 (સાબરમતી-વેરાવળ વંદે ભારત): આ ટ્રેન સાબરમતીથી સવારે 06:00 વાગ્યે ઉપડશે. આ ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ઢોળા, ઢસા અને જૂનાગઢ થઈને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે.
  • ટ્રેન નંબર 26902 (વેરાવળ-સાબરમતી વંદે ભારત): પરત મુસાફરીમાં આ ટ્રેન વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને તમામ સ્ટોપેજ પર રોકાઈને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે.

કયા નવા સ્ટેશનોને મળશે લાભ?

આ ફેરફારને કારણે અમદાવાદ જિલ્લાના મુસાફરોને ખાસ કરીને ફાયદો થશે, કારણ કે હવે આ ટ્રેન ગાંધીગ્રામ અને ધોળકા સ્ટેશનો પર પણ રોકાશે. આ ઉપરાંત, વંદે ભારત એક્સપ્રેસના નેટવર્કમાં હવે ધંધુકા, બોટાદ, ઢોળા અને ઢસા જેવા નવા સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ વિસ્તારના લોકો માટે મોટી રાહત સાબિત થશે.

અમલીકરણ અંગેની જાણકારી

રેલવે બોર્ડ તરફથી પશ્ચિમ રેલવેને આ બદલાવ અંગેની સત્તાવાર સૂચના મળી ગઈ છે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) અથવા બુકિંગ ન થયેલ તારીખથી લાગુ કરવામાં આવશે. હાલમાં આ ફેરફારો IRCTCની વેબસાઈટ પર અપડેટ થયા નથી, પરંતુ ટૂંક સમયમાં તે જોવા મળશે. રેલવે તંત્રને આ રૂટ અંગે મુસાફરોમાં વધુમાં વધુ પ્રચાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.

નોંધ: મુસાફરોને વિનંતી છે કે ટિકિટ બુકિંગ કરાવતી વખતે રેલવેની સત્તાવાર વેબસાઈટ પર લેટેસ્ટ સમયપત્રક તપાસી લેવું.