International Food Festival Ahmedabad: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ચાર દિવસીય ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’નો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે આ આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું, જે અમદાવાદીઓને વૈશ્વિક સ્વાદ અને વિવિધ સંસ્કૃતિઓનો અનોખો અનુભવ કરાવશે. આ ફેસ્ટિવલ 13 થી 16 નવેમ્બર સુધી ચાલશે.
ભૂપેન્દ્ર પટેલે ‘સ્પિરિચ્યુઅલ પેવેલિયન’નું પણ ઉદ્ઘાટન કર્યું
આ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્પિરિચ્યુઅલ પેવેલિયન’નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પેવેલિયનમાં તેમણે પુરી સ્થિત જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. તેમની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય મહાનુભાવોએ પણ આ પવિત્ર પ્રસાદનો લાભ લીધો. ઉલ્લેખનીય છે કે, આ આધ્યાત્મિક પેવેલિયનમાં પ્રવેશ કરનારા તમામ મુલાકાતીઓ માટે પગરખાં બહાર ઉતારવા ફરજિયાત છે, જે ધાર્મિક પરંપરા પ્રત્યે આદર ભાવ દર્શાવે છે.
LIVE: ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ તથા 'ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025'ના શુભારંભ અવસરે ઉપસ્થિતિ. સ્થળ : ઇવેન્ટ સેન્ટર, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ https://t.co/yM0B2yKGbO
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 13, 2025
નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની પણ મુલાકાત લીધી
આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી તથા મહાનુભાવો દ્વારા ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરી અને “નવું ભારત @150” ગીતના સ્વરો સાથે થયો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “મિશન ફોર મિલિયન ટ્રીઝ” કોફી ટેબલ બુકનું અનાવરણ કરી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી હતી.
આ પ્રસંગે ભારતીય-અમેરિકન લેખક જય પટેલે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમનું પ્રથમ પુસ્તક "બેરિસ્ટર મિસ્ટર પટેલ" પ્રકાશિત કર્યું છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા દ્વારા સહ-લિખિત છે.
ચિલ્ડ્રન પેવેલિયનની પણ મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યા બાદ તેમણે ઇનોવેશન પેવિલિયન અંતર્ગત રિસાયકલ ગ્રીન સ્ટોલ, IOTA Diagnostic Pvt. Ltd. ના સ્ટોલની, WeHear અને KeenKey LLP જેવા ઉદ્યોગોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્પિરિચુઅલ પેવેલિયન ખાતે સંતો-મહંતોની મુલાકાત લઈ પ્રસાદ ગ્રહણ કરી સ્વાદ અને સંસ્કૃતિના સંગમરૂપે વૈવિધ્યસભર ખાદ્ય પરંપરાને પણ વધાવી હતી.
ફૂડ ફોર થોટ ફેસ્ટ - 2025 વિશે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G) ના સહયોગથી ફરી એક વખત 13 થી 16 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શાકાહારી ફૂડ ફેસ્ટિવલ “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” નું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરા, સંસ્કૃતિ અને વિચારવિમર્શના સંયોગને ઉજવતો આ ફૂડ ફેસ્ટિવલ ચાર દિવસ સુધી શહેરના નાગરિકો, દેશ-વિદેશના ફૂડ લવર્સ અને ક્યુલિનરી એક્સપર્ટને એક સાથે જોવા મળશે.
ફેસ્ટિવલનું વિશેષ આકર્ષણ ત્રણ થીમ આધારિત પેવિલિયન
આ વર્ષે ફેસ્ટિવલનું વિશેષ આકર્ષણ ત્રણ થીમ આધારિત પેવિલિયન રહેશે, જે પોતાના પ્રકારનો એક અનોખો અનુભવ પૂરું પાડશે. TAJ Soulinaire દ્વારા બનાવાયેલ લક્ઝરી પેવિલિયન ફાઈન ડાઇનિંગનું અનુભૂતિપૂર્ણ માહોલ પૂરું પાડશે, જેમાં વિશ્વસ્તરીય શાકાહારી વાનગીઓને સ્થાનિક સ્વાદ સાથે રજૂ કરવામાં આવશે. TAJની અનુભવી ક્યુલિનરી ટીમ દ્વારા તૈયાર કરાયેલ ખાસ મેનૂમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ જોવા મળશે.
લંચ, ડિનર અને હાઈ–ટીની વ્યવસ્થા સાથે આ પેવિલિયન સામાન્ય નાગરિકોને પણ ફાઇન ડાઇનિંગનો વૈભવી અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલનો ધાર્મિક અને આધ્યાત્મિક ભાગ “સ્પિરિચ્યુઅલ પેવિલિયન” હેઠળ પ્રસ્તુત થશે. અહીં પુરી સ્થિત જગન્નાથ મંદિરનો પ્રસિદ્ધ મહાપ્રસાદ મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ તૈયાર કરીને પીરસવામાં આવશે, જેથી અમદાવાદના મુલાકાતીઓને પુરી જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદનો અનુભવ મળી શકે.
કોફી પેવિલિયન” પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે
આ ફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો “કોફી પેવિલિયન” પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બ્રૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ જીવંત રીતે રજૂ કરવામાં આવશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપવામાં આવશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કરેલી કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બ્રૂઇંગ ટેક્નિક્સ અંગે વર્કશોપ્સ પણ યોજાશે.
ફેસ્ટિવલમાં અનેક દેશોની આંતરરાષ્ટ્રીય ભાગીદારી
આ વર્ષે ફેસ્ટિવલમાં અનેક દેશોની આંતરરાષ્ટ્રીય ભાગીદારી રહેશે. નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ્સના પ્રતિનિધિઓ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી છે)માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ ક્રેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનું ડેમો પ્રસ્તુત કરશે.
આ ફેસ્ટિવલ દરમિયાન દર સાંજે 5:30 થી 8:00 વાગ્યે લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટાસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદય સિંહ, પદ્મશ્રી ડૉ. પુષ્પેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાતો હાજરી આપશે.
આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા, ધારાસભ્યો કંચનબેન રાદડિયા, શીતલબેન ડાગા, દિનેશ કુશવાહ, અમિત પી. શાહ, અમૂલ ભટ્ટ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, પૂર્વ મંત્રી રજની પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો અને વિવિધ કમિટીના ચેરમેન સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ આ પવિત્ર પ્રસાદનો લાભ લીધો હતો.
