ગુજરાતના માઈભક્તોને વૈષ્ણોદેવી જવું બન્યું વધુ આસાન, આજથી સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ સીધી કટરા સુધી જશે

ભારતીય રેલવેએ સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસનો રૂટ કટરા સુધી લંબાવી દીધો છે, જેનાથી ગુજરાત અને અન્ય રાજ્યોના વૈષ્ણોદેવીના ભક્તોને હવે સીધા કટરા સુધી મુસાફરી કરવાની સુવિધા મળશે. આ ફેરફારથી મુસાફરોનો સમય અને પૈસા બંને બચશે, કારણ કે તેમણે જમ્મુ તવીથી કટરા સુધી બીજું વાહન નહીં લેવું પડે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Oct 2026 12:00 AM (IST)Updated: Sun, 18 Oct 2026 12:00 AM (IST)
sabarmati-jammu-tawi-express-extended-to-katra-starts-today-direct-train-for-vaishno-devi-pilgrims


Sabarmati Jammu Tawi Express Train: ગુજરાતથી વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરવા જતાં માઈભક્તો માટે એક સારા સમાચાર છે. હકીકતમાં ભારતીય રેલવે દ્વારા સાબરમતી-જમ્મુ તવી એક્સ્પ્રેસના રૂટમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત હવે આ ટ્રેનનો રૂટ કટરા સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આજથી આ ટ્રેન સાબરમતીથી રવાના થઈને જમ્મુતવીની જગ્યાએ કટરા સુધી જશે.

જ્યારે રિટર્નમાં ટ્રેન નંબર 19224 માતા વૈષ્ણોદેવી કટરા-સાબરમતી બીજી એક્સપ્રેસ 20 ઓક્ટોબરે કટરાથી રવાના થશે. આ ટ્રેન સામ્બા, વાડી બ્રાહ્મણ અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનો પર પણ થોભશે. વૈષ્ણોદેવી જવા માંગતા માઈભક્તોને આ ટ્રેન સાંજે 6:40 કલાકે ઉતારતી હતી. જે બાદ તેમણે 50 કિમી દૂર કટરા સુધી જવા માટે બીજા વાહનમાં જવું પડતું હતુ.

કટરા રેલવે સ્ટેશન વૈષ્ણોદેવીની તળેટીના મુખ્ય બેઝ કેમ્પ બાણગંગા નજીક છે. આથી ટ્રેન સીધી અહીં સુધી પહોંચવાથી મુસાફરોને મોટો ફાયદો થશે. આ ટ્રેન ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાંથી પસાર થશે. જેથી ટ્રેનનો રુંટ લંબાવવાથી આ તમામ રાજ્યોના માઈભક્તોને તેનો લાભ મળશે.


પૈસા અને સમય બચશે

જમ્મુતવીથી કટરા વચ્ચે વ્યક્તિદીઠ 300થી 500 રૂપિયાનું વધારાનું ભાડું થાય છે. એવામાં આ ટ્રેન શરૂ થવાથી મુસાફરના બે થી ત્રણ કલાકનો સમય પણ બચશે અને પૈસા પણ બચશે.

કટરા સ્ટેશન પરિસરથી જ યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર, ક્લૉક રૂમ, પ્રી-પેઈડ ઑટો અને રોકાવા માટે સારી હોટલ સરળતાથી મળી જાય છે. આ ઉપરાંત કટરા સ્ટેશન પર ઉતરીને સીધા તારાકોટ માર્ગ, બાણગંગા માટે હેલિપેડ કે રોપવે પોઈન્ટ સુધી પહોંચવું સરળ થઈ જશે.

એવામાં માતા વૈષ્ણોદેવી જનારા માઈભક્તોને હવે જમ્મુ સ્ટેશન પર ઉતરીને કટરા સુધી જવામાં વધારે દોડધામ નહીં કરવી પડે. ટ્રેન નંબર 19223/19224 સાબરમતી બીજી જમ્મુતવી એક્સપ્રેસનો રૂટ માતા વૈષ્ણોદેવી કટરા (SVDK) સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે વૃદ્ધો, બાળકો અને પરિવાર સાથે વૈષ્ણોદેવીની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓનો સમય અને પૈસા બન્ને બચશે.

ક્યા-ક્યા સ્ટેશને આ ટ્રેન થોભશે

ગુજરાતમાં સાબરમતી બીજીથી આ ટ્રેન ઉપડશે. જે બાદ ગાંધીનગર, કલોલ, મહેસાણા જંક્શન, ઊંઝા, પાલનપુર જંક્શન થઈને રાજસ્થાનમાં આબુરોડ, પિંડવાડા, મારવાડ જંક્શન, પાલી મારવાડ, લૂણી જંક્શન, જોધપુર જંક્શન, મેડતા રોડ, નાગૌર, બિકાનેર જંક્શન, સૂરતગઢ, હનુમાનગઢ થઈને હરિયાણા અને પંજાબના બઠિંડા જંક્શન, ફિરોઝપુર કેન્ટ, જલંધર સિટી, પઠાનકોટ કેન્ટ થઈને કટરા પહોંચશે.