ઈરાનમાં બંધક બનાવાયેલા પટેલ દંપતીનો સરકારની મદદથી છૂટકારો, પરિવારે હર્ષ સંઘવી માટે લખ્યું- 'તમે અમારા શ્રીકૃષ્ણ બનીને આવ્યા'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 20 Jun 2023 10:44 PM (IST)Updated: Tue, 20 Jun 2023 10:44 PM (IST)
release-of-patel-couple-held-hostage-in-iran-with-the-help-of-the-government

અમદાવાદ.
ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહેલા ગુજરાતના એક પટેલ દંપતીનું પાકિસ્તાની એજન્ટે અપહરણ કરીને તેમને ઈરાનમાં ગોંધી રાખ્યા હતા. જો કે હવે ગુજરાત સરકારના પ્રયત્નથી આ દંપતીનો હેમખેમ છૂટકારો થઈ રહ્યો છે અને તેઓ અમદાવાદ પરત ફરી રહ્યાં છે.

શું છે સમગ્ર મામલો?
પાકિસ્તાની એજન્ટે પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલનું અપહરણ કરીને તેમને ગોંધી રાખ્યા હતા. આટલું જ નહીં, પંકજ પટેલના શરીર પર બ્લેડના ઘા મારીને અમદાવાદ સ્થિતિ તેમના પરિવાર પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ વ્હોટ્સઅપ મારફતે મોકલવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પંકજ અને નિશા પટેલે ગેરકાયદેસર રીતે અમેરિકામાં એન્ટ્રી કરવા માટે હૈદરાબાદના એક એજન્ટને કામ સોંપ્યું હતુ. આ એજન્ટે પટેલ દંપતીને સૌ પ્રથમ ઈરાન અને પછી ત્યાંથી અમેરિકા પહોંચાડવાનું જણાવ્યું હતુ. આ માટે પંકજ અને નિશાના ઈરાનના વીઝા અને ફ્લાઈટની ટિકિટ પણ બનાવડાવી દેવામાં આવી હતી.

જે બાદ પંકજ અને નિશા આજથી 5 દિવસ પહેલા ઈરાન પહોંચ્યા હતા. જ્યાં તહેરાન એરપોર્ટ પરથી જ પાકિસ્તાની એજન્ટ બન્ને જણાને પોતાની સાથે લઈ ગયો અને તેમને ગોંધી રાખ્યા હતા.

આટલું જ નહીં, પાકિસ્તાની એજન્ટ અને તેના સાગરિતોએ પંકજ પટેલને ઢોરમાર માર્યો હતો અને તેની પીઠ પર બ્લેડના ઘા મારીને તેમના પરિવાર પાસેથી રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા. જેનો વીડિયો પણ તેમણે પંકજ પટેલના પરિવારજનોને મોકલ્યો હતો.

આ વીડિયો સામે આવ્યા બાદ પંકજ અને નિશા પટેલના પરિવારે નરોડા વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે પણ મદદ માંગી હતી. જે બાદ હર્ષ સંઘવીએ વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. જે બાદ તહેરાન પોલીસે કાર્યવાહી કરીને પાકિસ્તાની એજન્ટ અને તેના સાગરિતોની ધરપકડ કરીને પંકજ અને નિશાને છોડાવી લીધા છે.

હાલ તો પરિવારજનોએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. આ સાથે જણાવ્યું કે, અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ વચ્ચે પણ હર્ષ સંઘવી સતત આ કેસની જાણકારી મેળવતા રહ્યાં. તેમણે જ અમને જાણ કરી હતી કે, પંકજ અને નિશાને છોડાવી લેવામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે હર્ષ સંઘવી અમારા માટે શ્રીકૃષ્ણ બનીને આવ્યા છે. હવે પંકજ અને નિશા પટેલ આજે મોડી રાત સુધીમાં અમદાવાદ પરત ફરી જશે.