Ahmedabad Street Food Vendors: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સ્ટ્રીટ ફૂડ વેન્ડરોમાં સ્વચ્છતા, હાઇજીન અને ખાદ્ય સુરક્ષાના ધોરણો વધુ અસરકારક રીતે જળવાઈ રહે તેમજ નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુસર QR કોડ આધારિત વેન્ડર રજિસ્ટ્રેશન અને મોનિટરિંગ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના 8,700થી વધુ સ્ટ્રીટ ફૂડ વેન્ડરોનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
AMC દ્વારા જાહેર કરાયેલા QR કોડને સ્કેન કરીને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો સરળતાથી પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ વેન્ડરના વ્યવસાય સ્થળનું GPS લોકેશન કેપ્ચર કરવામાં આવે છે, જેથી વેન્ડરના વ્યવસાયનું ચોક્કસ સ્થાન કોર્પોરેશનના ડેટાબેઝમાં નોંધાઈ શકે અને તેના આધારે અસરકારક મોનિટરિંગ સુનિશ્ચિત કરી શકાય.
સ્ટ્રીટ વેન્ડરે નામ, સરનામું, વ્યવસાયની વિગતો ભરીને ઑનલાઈ રજિસ્ટ્રેશન કરી શકશે
જે બાદ વેન્ડર દ્વારા પોતાનું નામ, મોબાઇલ નંબર, વ્યવસાયનું નામ, સરનામું, વોર્ડની વિગતો સહિતની જરૂરી માહિતી ઓનલાઈન ફોર્મમાં દાખલ કરવામાં આવે છે. તમામ વિગતો પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.
એકવાર રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા દરેક વેન્ડર માટે અલગ QR કોડ સાથેની PDF જનરેટ કરવામાં આવે છે. વેન્ડરે આ PDFની પ્રિન્ટ પોતાના વ્યવસાય સ્થળે નાગરિકો સરળતાથી જોઈ શકે તેવા સ્થળે પ્રદર્શિત રાખવાની રહે છે.
નાગરિકો QR કોડ સ્કેન કરીને હાઈજીન રેટિંગ આપી શકશે
જો કોઈ વેન્ડરે અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, પરંતુ તેની PDF ઉપલબ્ધ ન હોય અથવા ખોવાઈ ગઈ હોય તો તેજ QR કોડ સ્કેન કરીને નોંધાયેલ મોબાઇલ નંબરના આધારે ફરીથી PDF મેળવી શકે છે.
વેન્ડર દ્વારા પ્રદર્શિત કરાયેલા QR કોડને સ્કેન કરીને શહેરના નાગરિકો સંબંધિત વેન્ડરની વિગતો મેળવી શકે છે. આ સાથે જ તેઓ વેન્ડરના વ્યવસાય સ્થળે જાળવવામાં આવતી સ્વચ્છતા, હાઇજીન અને ખાદ્ય સુરક્ષાના ધોરણોને આધારે પોતાનો પ્રતિસાદ અને હાઈજીન રેટિંગ પણ આપી શકે છે.
અમદાવાદમાં 8,700થી વધુ સ્ટ્રીટ ફૂડ વેન્ડરોનું QR કોડ આધારિત રજિસ્ટ્રેશન પૂર્ણ.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 10, 2026
QR કોડ આધારિત રજિસ્ટ્રેશનથી વેન્ડરોની વિગતો, વ્યવસાયનું સ્થાન અને સ્વચ્છતા સંબંધિત માહિતીનું અસરકારક મોનિટરિંગ શક્ય બને છે. સાથે જ નાગરિકો QR કોડ સ્કેન કરીને વેન્ડરની માહિતી જોઈ શકે છે તેમજ સ્વચ્છતા… pic.twitter.com/8RqNuKK8to
કોર્પોરેશન દ્વારા પ્રાપ્ત થતા આ પ્રતિસાદના આધારે નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે. જો કોઈ વેન્ડર દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાનું સામે આવે તો તેની સામે કાયદાની જોગવાઈઓ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.
AMCએ હજુ સુધી રજિસ્ટ્રેશન ન કરાવનાર તમામ સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને તાત્કાલિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. આ સાથે જ રજિસ્ટ્રેશન બાદ પ્રાપ્ત થયેલા QR કોડને પોતાના વ્યવસાય સ્થળે સ્પષ્ટ રીતે પ્રદર્શિત રાખવાની અપીલ પણ કરવામાં આવી છે, જેથી નાગરિકોની ભાગીદારી સાથે શહેરમાં સ્વચ્છ, સુરક્ષિત અને વિશ્વસનીય સ્ટ્રીટ ફૂડ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય.
