PSI Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજ રોજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડરની 858 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા યોજવામાં આવનાર છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI, હથિયારી PSI (પ્લાટુન કમાન્ડર) અને જેલર ગ્રુપ-2ની કુલ 858 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટીમાં અંદાજે 2,47,000 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલા 1,10,680 ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં બેસશે.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મુખ્ય શહેરોની કુલ 371 શાળાઓમાં લેખિત પરીક્ષા લેવાશે. જેના માટે 13 એપ્રિલથી કોલલેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી એક લાખથી વધુ ઉમેદવારોએ તેમના પત્રો મેળવી લીધા છે.
એક દિવસમાં બે પેપર લેવામાં આવશે
PSI ભરતી માટે એક દિવસમાં બે પેપર લેવામાં આવનાર છે. જેમાં સવારના સત્રમાં સવારે સાડા 9 થી સાડા 12 વાગ્યા દરમિયાન જનરલ નૉલેજનું પેપર આપવાનું રહેશે. જે OMR પદ્ધતિ પ્રમાણે રહેશે.
જે બાદ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી વર્ણનાત્મક કસોટીનું પ્રશ્ન પેપર લેવામાં આવશે. દરેક ઉમેદવારને પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલાં એન્ટ્રી મળશે. બહારગામના ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્રમાં પહોંચી જવાની તાકીદ કરવામાં આવી છે.
- ગેરરીતિ રોકવા ટેકનોલોજીનો ઉપયોગ
- પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે
- શારીરિક કસોટી સમયે લેવાયેલા ઉમેદવારોના ફોટોગ્રાફ અને બાયોમેટ્રીક ડેટાનું લેખિત પરીક્ષા પૂર્વે બે વાર વેરીફીકેશન કરવામાં આવશે.
- ઉમેદવારોની ઓળખ ચોકસાઈપૂર્વક કરવા માટે ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
- સમગ્ર પરીક્ષા CCTV કેમેરાની દેખરેખ હેઠળ યોજાશે.
- આ ઉપરાંત, પરીક્ષા સાહિત્ય લઈ જનારા વાહનોને GPS દ્વારા ટ્રેક કરી કરાઈ સ્થિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી મોનીટરીંગ કરાશે.
પરીક્ષાના સુચારુ સંચાલન માટે 4000 પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના 8000 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. દરેક કેન્દ્ર પર PI અથવા PSI કક્ષાના અધિકારી બોર્ડના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત શહેરના પોલીસ કમિશનરોના સુપરવિઝન હેઠળ અને IGP/DIGP કક્ષાના સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાશે.
