Professor Digantkumar Parmar: અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના યુવા અને તેજસ્વી પ્રોફેસર દિગંતકુમાર પરમારે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ફલક પર ડંકો વગાડ્યો છે. તેમને સતત બીજા વર્ષે વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા IEEE (Institute of Electrical and Electronics Engineers) દ્વારા 'આઉટસ્ટેન્ડિંગ બ્રાન્ચ કાઉન્સેલર એન્ડ ચેપ્ટર એડવાઈઝર એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
વિશ્વના 20 ચુનંદા વિજેતાઓમાં સ્થાન
IEEE દ્વારા દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી ટેકનિકલ શિક્ષણ અને નવીનતા (Innovation) માં શ્રેષ્ઠ યોગદાન આપનારા માત્ર 20 નિષ્ણાતોની જ આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2025 માટે પ્રોફેસર પરમારની પસંદગી તેમની શૈક્ષણિક આગેવાની, સંશોધન કાર્યો અને વિદ્યાર્થીઓને આપેલા ઉત્કૃષ્ટ માર્ગદર્શનને ધ્યાને રાખીને કરવામાં આવી છે.
ફેબ્રુઆરી 2026માં આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન
આ સિદ્ધિ બદલ આગામી ફેબ્રુઆરી 2026માં એક ભવ્ય વર્ચ્યુઅલ એવોર્ડ સેરેમની યોજાશે. આ વૈશ્વિક સમારોહમાં પ્રોફેસર પરમાર ભાગ લેશે, જ્યાં એક વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન તેઓ પોતાની વોલન્ટિયર ભૂમિકા અને વ્યાવસાયિક જીવનમાં IEEEના મહત્વ વિશે વિશ્વ સાથે સંવાદ કરશે.
સંશોધન અને નવીનતાના ક્ષેત્રે મોટું પ્રદાન
પ્રોફેસર દિગંતકુમાર પરમાર માત્ર એક શિક્ષક જ નહીં, પરંતુ એક સક્રિય સંશોધક પણ છે. તેમના નામે અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ્સ નોંધાયેલી છે. તેમના સંશોધન લેખો વિશ્વની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ્સ અને કોન્ફરન્સોમાં સ્થાન પામ્યા છે.
આ સંસ્થાગત ગૌરવ છે
આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા પ્રોફેસર પરમારે જણાવ્યું હતું કે, "IEEE જેવી વૈશ્વિક સંસ્થા તરફથી સતત બીજી વખત મળેલું આ સન્માન વ્યક્તિગત સફળતા કરતા વધુ સંસ્થાગત ગૌરવનું પ્રતીક છે. વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન અને સંશોધનને જોડવાના અમારા અભિગમની આંતરરાષ્ટ્રીય નોંધ લેવાઈ તે ગર્વની વાત છે." તેમણે આ સફળતાનો શ્રેય યુનિવર્સિટી મેનેજમેન્ટ, સહકર્મીઓ અને તેમના વિદ્યાર્થીઓને આપ્યો હતો.
