ગર્ભાવસ્થામાં સુગર વધે તો સાવધાન! ભવિષ્યમાં ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ; જાણો કેવી રીતે બચશો

અમદાવાદમાં થયેલા અભ્યાસ અનુસાર, 50% મહિલાઓમાં પ્રસૂતિ પછી પણ ડાયાબિટીસનું જોખમ રહે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 20 Oct 2026 08:34 AM (IST)Updated: Tue, 20 Oct 2026 08:34 AM (IST)
pregnancy-diabetes-insulin-requirement-and-blood-sugar-risk-ahmedabad-study

Pregnancy Diabetes Study: ગર્ભાવસ્થા દરમિયાન થતા હોર્મોનલ ફેરફારોને કારણે શરીરમાં ઇન્સ્યુલિનની અસર ઘટે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. આ સમયે સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવી શકતું નથી, જેના કારણે બ્લડ સુગર વધી શકે છે. સામાન્ય રીતે પ્રસૂતિ પછી બ્લડ સુગર સામાન્ય થઈ જતું હોય છે, પરંતુ કેટલીક મહિલાઓમાં ડિલિવરી બાદ પણ સુગર વધેલું રહે છે.

અમદાવાદમાં થયો સગર્ભાઓ પર અભ્યાસ

ગર્ભાવસ્થામાં ઈન્સ્યુલિનની જરૂરિયાત અને ડાયાબિટીસના જોખમ અંગે અમદાવાદ ખાતે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં મહત્વના તારણો સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ ધરાવતી 247 મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ 50 ટકા મહિલાઓમાં પ્રસૂતિ પછી પણ બ્લડ સુગરનું પ્રમાણ વધેલું જોવા મળ્યું હતું. સાથોસાથ 60 ટકા મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન સુગર નિયંત્રણમાં રાખવા માટે ઇન્સ્યુલિન અથવા મેટફોર્મિન જેવી દવા આપવાની જરૂર પડી હતી. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવો એ ભવિષ્યમાં ટાઇપ-2 ડાયાબિટીસ થવાની મહત્વની ચેતવણી બની શકે છે.

ગર્ભાવસ્થા બાદ ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ

ગર્ભાવસ્થા બાદ ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધવા પાછળ બદલાતી જીવનશૈલી અને શારીરિક પરિબળો જવાબદાર છે. કસરતનો અભાવ, વધુ કેલરી ધરાવતો પ્રોસેસ્ડ ખોરાક, મેદસ્વિતા અને શારીરિક પ્રવૃત્તિઓ ઓછી હોવાને કારણે ઇન્સ્યુલિનની અસર ઘટવાનું જોખમ રહે છે.

આ ઉપરાંત મોટી ઉંમરે ગર્ભધારણ, PCOS અને પરિવારમાં વારસાગત ડાયાબિટીસનો ઈતિહાસ પણ આ જોખમને વધારે છે. ભારતીય મહિલાઓમાં ઓછો BMI હોવા છતાં જાગૃતિ અને તપાસની સુવિધાઓ વધવાના કારણે ગર્ભાવસ્થા દરમિયાન ઇન્સ્યુલિનની વધતી જરૂરિયાત ધ્યાને આવી રહી છે.

સગર્ભાઓ માટે નિષ્ણાતોનું શું સલાહ?

ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થયો હોય અને ડિલિવરી પછી સુગર સામાન્ય થઈ જાય તો પણ તપાસ બંધ ન કરવી જોઈએ. ડિલિવરીના 6 થી 12 અઠવાડિયા પછી બ્લડ સુગરની તપાસ કરાવવી અને ત્યારબાદ પણ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત ચકાસણી કરાવવી જરૂરી છે. આ સાથે જ વજન નિયંત્રણમાં રાખવું, સંતુલિત આહાર લેવો અને નિયમિત કસરત કરવી હિતાવહ છે.