Ahmedabad Civil Hospital: નવજાત શિશુઓને કમળાની તપાસ માટે થતી પીડામાંથી મુક્તિ અપાવવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે અત્યાધુનિક બિલીરૂબિન મીટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ મશીનની મદદથી હવે લોહીનો નમૂનો લીધા વિના માત્ર બાળકની ચામડી પરથી જ સ્પર્શ દ્વારા બિલીરૂબિનનું પ્રમાણ માપી શકાશે.
સામાન્ય રીતે જન્મના ત્રીજા કે ચોથા દિવસે નવજાત શિશુમાં કમળો જોવા મળે ત્યારે તેની ગંભીરતા જાણવા માટે લોહીના સેમ્પલ લેવા સોય ભોંકવી પડે છે. પરંતુ નવા બિલીરૂબિન મીટર મશીનની મદદથી હવે લોહીનો નમૂનો લીધા વિના માત્ર બાળકની ચામડી પરથી જ સ્પર્શ દ્વારા બિલીરૂબિનનું પ્રમાણ માપી શકાશે, જેથી પ્રાથમિક તપાસ માટે શિશુને વારંવાર સોય મારવાની જરૂર નહીં રહે.
આ રીડિંગના આધારે તબીબો આગળની તપાસ તથા જરૂર મુજબ ફોટોથેરાપી શરૂ કરવાનો નિર્ણય ઝડપથી લઈ શકશે અને વારંવાર તપાસની જરૂર પડતા શિશુઓની દેખરેખ વધુ સરળ બનશે. સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં કુલ રૂ. 77 લાખના ખર્ચે બે બિલીરૂબિન મીટર સાથે 4 નવા સોનોગ્રાફી મશીન પણ વસાવવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, જન્મ બાદ શિશુમાં બિલીરૂબિનનું પ્રમાણ વધવાથી કમળો થતો હોય છે અને આ નવું મીટર ચામડી પરથી જ સચોટ રીડિંગ આપે છે. આ ઉપરાંત, 4 સોનોગ્રાફી મશીનમાંથી બે રેડિયોલોજી વિભાગ, એક ગાયનેક OPD અને એક પલ્મોનરી વિભાગમાં ફાળવવામાં આવશે. વિવિધ વિભાગોમાં આ મશીન ઉપલબ્ધ થવાથી દર્દીઓને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં ધક્કા ખાવા નહીં પડે અને દર્દીઓની દોડધામમાં મોટો ઘટાડો થશે.
