ગુજરાતી બાળ સાહિત્યના એક અધ્યાયનો અંત, લોકપ્રિય બાળસાહિત્યકાર હરીશ નાયકનું અવસાન

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 25 Oct 2023 09:49 AM (IST)Updated: Wed 25 Oct 2023 09:49 AM (IST)
popular-childrens-writer-harish-nayak-passes-away-221271

ગુજરાતી સાહિત્યમાં મૂઠી ઉંચેરું નામ અને ગુજરાતી બાળ સાહિત્યમાં જેમનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે તેવા બાળકોના પ્રિય લેખક હરીશ નાયકનું અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ 97 વર્ષના હતા. તેમના અવસાન સાથે જ ગુજરાતી બાળ સાહિત્યના એક અધ્યાયનો અંત આવ્યો છે. 28 ઓક્ટોબર 1926ના સુરત ખાતે તેમનો જન્મ થયો હતો. 1952માં તેમની ‘ગુજરાત સમાચાર' સાથેની સફરની શરૂઆત થઇ હતી. પ્રારંભમાં તેઓ ફિલ્મ સામાયિક ‘ચિત્રલોક'માં કટાર લેખક તરીકે જોડાયા હતા. તે પછી ગુજરાતી બાળ સામાયિક ઝગમગમાં બાળ વાર્તાના લેખનથી તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે ‘ગુજરાત સમાચાર’ દ્વારા પ્રકાશિત થતાં ‘ચિત્રલોક’, ‘શ્રી રંગ’, ‘શ્રી’ જેવા સામાયિકોમાં પણ પોતાનું પ્રદાન આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાત સમાચારના બપોરના દૈનિક ‘લોક સમાચાર'માં પણ તેમનું મોટું પ્રદાન હતું. તેમના પુસ્તક ‘કચ્ચ-બચ્ચુ'નો સાત ભાષાઓમાં અનુવાદ થયો હતો. બાળકો માટે તેમણે અનેક ધર્મ, વિજ્ઞાન, વિષયો જેવા કે પૌરાણિક, યુદ્ધ, દેશ પ્રેમ તથા વિદેશી સાહિત્યનું રૂપાંતર કરીને ગુજરાતના બાળકોને પરિચય કરાવ્યો છે.

હજુ તો હમણાં જ રસ્કિન બોન્ડની ‘આસમાની છત્રી’ તેમણે બાળકો માટે પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરી છે અને છપાવવાની તૈયારીમાં છે. તેમણે 500થી વધુ બાળ સાહિત્યના પુસ્તકો લખ્યા હતા અને હજુ પણ નવા પ્રકાશન આવી રહ્યા છે. વધુમાં તેઓએ લાખો બાળકો સુધી પોતાની આગવી શૈલીમાં વાર્તા કથનનો અનેરો ચીલો પાડ્યો હતો. જીવનના પાછલાં કેટલાક વર્ષો તેમણે અમેરિકામાં ગાળ્યા હતા અને ત્યાં પણ તેઓ પ્રવૃત્તમય રહેલા. ગુજરાતી પરિવારનાં બાળકોને વાર્તાઓ સંભળાવવા પહોંચી જતા અને જેના કારણે તેઓ અમેરિકામાં ગુજરાતી પરિવારોના બાળકોમાં ‘વાર્તા દાદા' તરીકે જાણીતા બન્યા હતા. તેમના સંતાનોમાં ચેતના, મોના, ડો. મીતા, નમ્રતા એમ ચાર પુત્રીઓનો સમાવેશ થાય છે.