PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પવિત્ર 51 શક્તિપીઠોમાંના એક એવા અંબાજી ખાતે પહોંચીને અંબાજી માતાજીના ચરણોમાં શીશ નમાવશે અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાનના આ આગમનને પગલે અમદાવાદથી લઈને અંબાજી સુધી સમગ્ર રાજ્ય વહીવટી તંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
13 નવેમ્બરે રાત્રે અમદાવાદ આગમન અને ગાંધીનગરમાં રોકાણ
આયોજિત કાર્યક્રમ મુજબ, પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 13 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે આશરે 9:00 વાગ્યા બાદ દિલ્હીથી વિશેષ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ એરપોર્ટથી સીધા ગાંધીનગર ખાતે આવેલા રાજભવન જવા રવાના થશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે.
14 નવેમ્બરે લાભ પાંચમના પાવન પર્વે અંબાજીમાં પૂજા-અર્ચના
પ્રવાસના બીજા દિવસે એટલે કે 14 નવેમ્બરે લાભ પાંચમના શુભ અને પવિત્ર દિવસે સવારે આશરે 10:00 વાગ્યા બાદ વડાપ્રધાન અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા જવા રવાના થશે. બપોરે આશરે 12:00 વાગ્યાના સુમારે તેમનું હેલિકોપ્ટર અંબાજી ખાતે લેન્ડ થશે અને તેઓ સીધા અંબાજી મંદિર પરિસરમાં પહોંચશે.
લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વડાપ્રધાન અંબાજી માતાજીના મંદિરમાં દર્શન કરીને વિશેષ પૂજાવિધિ સંપન્ન કરશે અને દેશની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. દર્શન અને પૂજા-અર્ચના પૂર્ણ કર્યા બાદ તેઓ બપોરે પરત અમદાવાદ આવી દિલ્હી જવા રવાના થશે.
અંબાજી મંદિર પરિસરમાં સુરક્ષા બંદોબસ્ત સઘન કરાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંબાજી આગમનને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર પરિસર, હેલિપેડ તેમજ આસપાસના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ, SPG અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાફલાના રૂટ, ટ્રાફિક ડાયવર્ઝન અને સુરક્ષા બંદોબસ્તનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, તહેવારના દિવસો હોવાથી અંબાજી દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને અંબાજી ધામમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
