PM Modi in Ahmedabad: વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની લીધી મુલાકાત; રેંટિયો કાંતી બાપુને આપી શ્રદ્ધાંજલિ

આશ્રમમાં આગમન બાદ વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મેર્ઝે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ ગાંધીજીના નિવાસસ્થાન 'હૃદય કુંજ' પહોંચ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 12 Jan 2026 11:32 AM (IST)Updated: Mon, 12 Jan 2026 11:32 AM (IST)
pm-modi-and-german-chancellor-friedrich-merz-visit-sabarmati-ashram-in-ahmedabad-latest-news-updates

PM Modi-Friedrich Merz in Ahmedabad: ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. વિશ્વ શાંતિ અને અહિંસાના પ્રતીક સમાન આ સ્થળે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીના જીવન અને મૂલ્યો પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો.

હૃદય કુંજમાં રેંટિયો અને સાદગીના દર્શન

આશ્રમમાં આગમન બાદ વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મેર્ઝે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ ગાંધીજીના નિવાસસ્થાન 'હૃદય કુંજ' પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીજીના સાદગીપૂર્ણ જીવનની ઝલક મેળવી હતી. તેમજ સ્વદેશી અને આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રેંટિયો કાંતવાની પ્રક્રિયાને ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી. અને આશ્રમની પવિત્રતા અને શાંતિનો અનુભવ કર્યો હતો.

જર્મન ચાન્સેલરનો ભાવુક સંદેશ

ગાંધી આશ્રમની મુલાકાતથી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે આશ્રમની વિઝિટર્સ બુકમાં પોતાનો સંદેશ લખતા જણાવ્યું કે, "સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતાના તાંતણે જોડે છે. વર્તમાન વિશ્વમાં પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે."

ઉપસ્થિત મહાનુભાવો

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય સચિવ એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન કાર્તિકેય સારાભાઈ, આઈ. પી. ગૌતમ તેમજ અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર ઉપસ્થિત રહ્યા હતા. જર્મન ડેલિગેશનના સભ્યોએ પણ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. ગાંધી આશ્રમની આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોનું પ્રતીક બની રહી છે.