Hardik Patel on Karsan Patel: હાલમાં ગુજરાતમાં 10 વર્ષ પછી ફરી એકવાર પાટીદાર આંદોલનનો મુદ્દો ઉઠ્યો છે. પાટણમાં રવિવારના રોજ 42 લેઉઆ પાટીદાર સમાજ સેવા મંડળના એક કાર્યક્રમમાં હાજર રહેલા જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરશન પટેલે પાટીદાર આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું.
કરશન પટેલ કહ્યું કે, આ આંદોલનના કારણે પાટીદાર દીકરીએ પોતાનું મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. ખરેખર આ આંદોલન અનામત માટે હતું કે કોઇને કાઢવા માટે. આંદોલન કરનારાએ પોતાનો રાજકીય રોટલો શેક્યો છે. ત્યારે હવે કરશન પટેલના આ નિવેદન પર પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા તેમજ હાલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે.
હાર્દિક પટેલની પ્રતિક્રિયા
હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું, એ કરશનભાઈને ન ખબર હોય. કારણ કે તેઓ કરોડપતિ છે અને આ આંદોલન મુખ્યત્વે ગરીબ પાટીદાર પરિવારોના હિત માટે હતું. આંદોલનના પરિણામે માત્ર પાટીદાર સમાજને જ નહીં, પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા અને અનામતથી વંચિત એવી 50થી વધુ જ્ઞાતિને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી છે.
તેને વધુમાં કહ્યું કે, આંદોલનથી બિન-અનામત આયોગ અને નિગમની સ્થાપના થઈ, તેમજ આર્થિક રીતે નબળા પાટીદાર સમુદાય માટે 10% અનામતનો લાભ મળ્યો. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં શિક્ષણ મેળવી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે.
આ પણ વાંચો - Alpesh Kathiriya: ‘…તમને આજે સન્માન કરવાનો પણ મોકો ન મળત’ કરશન પટેલના નિવેદન પર અલ્પેશ કથીરિયાએ આપી પ્રતિક્રિયા
હાર્દિક પટેલે જણાવ્યું કે, કરશનભાઈ જેવા અનેક આગેવાનો છે, જે પાટીદાર સમાજને કડવા અને લેઉવામાં વહેંચી રહ્યા છે. આવા આગેવાનોને ઓળખવાની જરૂર છે. આ આગેવાનો સમાજની એકતા નથી જોઈ શકતા, સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે.
શું કહ્યું હતું કરસન પટેલે
કરશન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ એટલે ખેડૂત. ખેડૂતે કોઇ દિવસ કોઇની સામે હાથ નથી લંબાવ્યો. કોઇને કંઇને કંઇ આપ્યું જ છે. આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું. પાટીદારોએ જ આંદોલન કર્યું હતું. એમને શું મળ્યું. કંઇ નહીં. આપણા યુવાનો શહીદ થયા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમણે આંદોલન કર્યું હતું તેમણે તેમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ પણ લેઉવા પાટીદારની દીકરી મુખ્યમંત્રી હતી તેને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઇને કાઢવાનું હતું. પટેલો પટેલોને જ કાઢે એ તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે.
