Parimal Garden Ahmedabad: અમદાવાદ શહેરના જાણીતા એવા એલિસબ્રિજ સ્થિત 60થી વધુ વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું થોડાક વર્ષ પહેલા સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. રૂપિયા 12 કરોડના ખર્ચે આ ગાર્ડનને રીડેવલપ આવ્યું છે, જેમાં શહેરીજનો માટે આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. 35,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડનમાં 8 નવાં આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેને અમદાવાદના અન્ય બગીચાઓ કરતાં અલગ પાડે છે.

આ રિડેવલપમેન્ટમાં સૌથી મોટી ખાસિયત એ છે કે ગાર્ડનમાં બે માળનું અદ્યતન જિમ બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં કોઈ પણ સરકારી ગાર્ડનમાં આ પ્રકારની સુવિધા પ્રથમ વખત ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, પશુપ્રેમીઓ માટે પણ એક મોટી ભેટ છે, કારણ કે આ ગાર્ડનમાં પેટ ડોગ માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી છે. શહેરમાં આ પ્રકારની સુવિધા ધરાવતો આ પ્રથમ ગાર્ડન છે. આ બંને સુવિધાઓ ગાર્ડનને એક નવું પરિમાણ આપે છે અને શહેરીજનોને વધુ આકર્ષિત કરશે.

પરિમલ ગાર્ડનને માત્ર મનોરંજનનું નહીં, પણ શારીરિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અહીં એમ્ફિ થિયેટર, યોગા પેવેલિયન, અને સ્પોર્ટ્સ ઝોન બનાવવામાં આવ્યો છે જ્યાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમી શકાશે. આ ઉપરાંત, ગાર્ડનમાં આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા, બે ફાઉન્ટન, અને 8 જેટલા લૉન પ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.