પરેશ ગોસ્વામીની આગાહીઃ આજથી વરસાદનું જોર ઘટશે, 3 દિવસ માત્ર છૂટાછવાયા ઝાપટા પડ્યા બાદ ઉઘાડ નીકળશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે, જેમાં આગામી બે-ત્રણ દિવસ છૂટાછવાયા ઝાપટાં બાદ વાતાવરણ સંપૂર્ણપણે ખુલ્લું થઈ જશે. તાજેતરમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો, પરંતુ હવે વરસાદી ગતિવિધિ હળવી પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Sep 2026 12:00 AM (IST)Updated: Sat, 19 Sep 2026 12:00 AM (IST)
paresh-goswami-weather-forecast-light-scattered-showers-for-3-days-before-clear-skies

Paresh Goswami Weather Forecast: ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશરની અસરથી વરસાદી ગતિવિધિ યથાવત જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ મેઘરાજાએ અમદાવાદ સહિત ગુજરાતના અનેક ભાગોમાં તાબડતોડ બેટિંગ કરી હતી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે? તેને લઈને વિગતવાર માહિતી આપી છે.

વરસાદનું જોર ઘટશે તે સાથે જ વરાપના એંધાણ

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરના રોજ અગાઉથી કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા જોવા મળી હતી. ગઈકાલે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટાછવાયા મધ્યમથી સારા વરસાદ સાથે કોઈ-કોઈ ભાગોમાં ભારે ઝાપટાં પણ નોંધાયા હતા. જો કે હવે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટતું જશે.

આજની વાત કરીએ તો, આજે વરસાદનું જોર ઘણું બધુ હળવું પડી જશે. જ્યારે 21 અને 21 સપ્ટેમ્બર એમ બે દિવસો દરમિયાન વરસાદી માહોલ રહેશે. જો કે આ બે દિવસ માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં એકદમ સામાન્ય અને હળવા ઝાપટાં જ વરસે તેવી શક્યતા છે. આ બે દિવસ બાદ વાતાવરણ સંપૂર્ણ ખુલ્લુ થઈ જવાની પુરી સંભાવના છે.

અત્યારે ગુજરાતમાં પવનની ગતિ 10 થી 13 કિમીની આસપાસ નોંધાઈ રહી છે, જે સામાન્ય છે. આવનારા બે થી ત્રણ દિવસ સુધી હજુ પણ આજ પ્રમાણે પવનની ગતિ જળવાઈ રહેવાની છે.

આજે 12 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી ગીર સોમનાથના ગીર ગઢડા અને અરવલ્લીના મેઘરજમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે અમદાવાદમાં 2.8 ઈંચ, સાબરકાંઠાના તલોદમાં 2.5 ઈંચ, નર્મદાના દેડિયાપાડામાં 2.4 ઈંચ, અરવલ્લીના મોડાસામાં 2.3 ઈંચ, મહીસાગરના કડાણામાં 2.2 ઈંચ, સંતરામપુરમાં 2.1 ઈંચ અને ગાંધીનગરના માણસામાં 2.1 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 66 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.