Paresh Goswami Rain Forecast: ગુજરાતમાં ચોમાસું અડધા કરતાં વધુ સફર કાપી ચૂક્યું છે, પરંતુ ભારે વરસાદના બે રાઉન્ડ બાદ ઓગસ્ટની શરૂઆતથી જ મેઘરાજા આરામના મૂડમાં હોય તેમ છૂટાછવાયા ભાગોમાં માત્ર હળવા ઝાપટા જ નોંધાયા છે.
ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત થયા છે અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાની વર્તમાન સ્થિતિ અને આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશ અલનીનોની અસર હેઠળથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે વરસાદમાં વિષમતા જોવા મળી રહી છે. આમ છતાં આવનારા દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ વધશે
છેલ્લા બે દિવસથી ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તેનાથી ખેતીના પાકને કોઈ મોટો ફાયદો થવાની સંભાવના નથી.
અરબ સાગર અને હિન્દ મહાસાગરનો સક્રિય ભાગ પોઝિટિવ મોન્સૂન ઑફશોર ટ્રફ બનાવી રહ્યો છે, જેના પરિણામે આવનારા એકાદ 2 દિવસમાં ઝાપટાનું પ્રમાણ વધશે અને 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગો ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરાના કેટલાક ભાગોમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહેશે. જો કે વરસાદની ખાધ અનુભવતા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે.
બંગાળની ખાડીમાં હલચલથી 6 થી 10 સપ્ટેમ્બર વરસાદનો રાઉન્ડ
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 1 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સર્ક્યુલેશન 4 અથવા 5 સપ્ટેમ્બરે વધારે મજબૂત બનીને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જ્યારે 6 સપ્ટેમ્બરના રોજ મજબૂત વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગો તેમજ રાજસ્થાન સરહદને આવરીને ગુજરાતની લગોલગ પહોંચી જશે.
અત્યારે અલનીનો સક્રિય હોવાથી હવામાનમાં અણધાર્યા ફેરફારો થઈ શકે છે. આથી જો આ સિસ્ટમ અન્ય કોઈ દિશામાં ફંટાઈ જાય, તો ગુજરાતને અપેક્ષિત વરસાદનો લાભ ના પણ મળે. તેમજ જો આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ પોતાની ગતિ જાળવી રાખશે તો 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતભરમાં વરસાદનો ધમાકેદાર નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ સિસ્ટમ ખૂબ જ વિશાળ હોવાના કારણે ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.
