વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, બેવડી ઋતુ વચ્ચે 22 ફેબ્રુઆરીથી 7 દિવસ માવઠાની આગાહી

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Feb 2026 10:19 PM (IST)Updated: Wed, 18 Feb 2026 10:19 PM (IST)
paresh-goswami-ni-agahi-unseasonal-rain-likely-in-gujarat-between-feb-22-to-28
HIGHLIGHTS
  • પશ્ચિમી વિક્ષોપ અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલને પગલે ગુજરાત નજીક અસ્થિરતા સર્જાઈ
  • આ વર્ષે શિયાળો લંબાયો, માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થતાં જ આકરી ગરમી પડશે

Paresh Goswami Ni Agahi: ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે વધુ એકવાર ગુજરાતના લોકોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં આવી રહેલા પલટાને લઈને મોટી આગાહી કરી છે.

22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની વકી
આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ ઉત્તર ભારતના પહાડો ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. આ પશ્ચિમી વિક્ષોપની સાથે-સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે. જેના પરિણામે ગુજરાત નજીક એક અસ્થિરતા સર્જાઈ શકે છે.

આથી આગામી 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના કોઈ-કોઈ ભાગમાં હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડી શકે છે. ખાસ વાત એ છે કે, આ સાત દિવસ સળંગ ઝાપટા નહીં વરસે. તેમજ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં માવઠાની શક્યતા વધારે રહેશે. આ સિવાય રાજ્યના મોટાભાગમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થતાં જ આકરી ગરમી પડશે
મોટાભાગે 15 ફેબ્રુઆરીથી જ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે. જેમાં તાપમાન 35 ડિગ્રીની પાર પહોંચી જતાં આકરી ગરમી પડવા લાગે છે. જો કે આ વર્ષે હજુ સુધી તાપમાન કંઈ ખાસ વધારો જોવા નથી મળ્યો.

અત્યારે રાતે શિયાળો અને દિવસના સમયે ઉનાળાનો અહેસાસ જોવા મળે છે. એટલે કે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આમ આ વર્ષે શિયાળો લંબાયો છે. ફેબ્રુઆરી મહિનાના આવનારા 10 દિવસોમાં પણ તાપમાનમાં કંઈ ખાસ વધારો નથી થવાનો.

જો કે 20 થી 22 ફેબ્રુઆરી સુધીના 3 દિવસ દરમિયાન તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઊંચુ જરૂર આવશે, પરંતુ તે 35 ડિગ્રીની અંદર જ રહેશે. જે 23 ફેબ્રુઆરીથી ફરીથી નીચું જવા લાગશે. આમ 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ક્યાંય હાઈ ટેમ્પરેચર જોવા નહીં મળે. એટલે કે શિયાળો યથાવત રહેશે. જે બાદ માર્ચ મહિનાથી ખરા ઉનાળાની શરૂઆત થશે તેમ કહી શકાય.

પવનની ગતિને લઈને હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, હાલ 8 થી 12 કિલોમીટર પ્રતિકલાકની સામાન્ય ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 25 ફેબ્રુઆરી સુધી પવનની ગતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. જો કે 26 ફેબ્રુઆરીથી પવનની ઝડપમાં કદાચ વધારો થઈ શકે છે.