Paresh Goswami Ni Agahi: પરેશ ગોસ્વામીની આગાહી: દેશમાં નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું ચોમાસું શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. જો કે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યુ, ત્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું અટકી ગયું હતુ. હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન ઊંચુ જોવા મળી રહ્યું છે અને અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થઈ રહેલા લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં તાપમાન અને ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ જૂન મહિનાનું બીજુ અઠવાડિયું ચાલી રહ્યું છે, જેમાં સામાન્ય રીતે જે તાપમાન હોવું જોઈએ તેના કરતાં 2 ડિગ્રી ઊંચુ જોવા મળી રહ્યું છે. આ સાથે જ અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, તેના કારણે બફારો અને ઉકળાટ વધી રહ્યા છે.
હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન 36 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે, પરંતુ અસહ્ય બફારો રહેવાના કારણે હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે. જૂન મહિનાના અંત સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે. આગામી 16 જૂન પછી તાપમાનમાં ઘટાડો જરૂર થશે, પરંતુ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
નૈઋત્યના ચોમાસા વિશે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 12 જૂનના રોજ કર્ણાટકથી પશ્ચિમી દિશાની અંદર મજબૂત વરસાદી સિસ્ટમ બની છે. જે આગળ જતાં લો પ્રેશરમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. આ લો પ્રેશર ઉપર જતાં મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે છે. આ સિસ્ટમ કર્ણાટક, કોંકણ, ગોવાથી ઉત્તર દિશા તરફ ચાલે અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે. એટલે આ સિસ્ટમ આગામી 20 જૂન સુધીમાં ગુજરાત પહોંચે અને રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા છે.
