Paresh Goswami Ni Agahi: દેશમાં નૈઋત્યના ચોમાસાનું સમય પહેલા આગમન થઈ ચૂક્યું છે. હાલ ચોમાસું કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં મોન્સૂન પહોંચ્યું તે સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગણતરીઓ મંડાવા લાગી છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસ અગાઉ અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી, જેના પરિણામે કેરળ, કર્ણાટક, ગોવા, કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. હાલ અરબ સાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી. આથી આગામી એકાદ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે, તે નિષ્ક્રિય થઈ જવાથી ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. જેના પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.
મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે. એટલે કે અગાઉ 10 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું કહેવાતું હતુ, પરંતુ હવે આપણે 15 જૂનની આસપાસ આશા રાખી શકીએ છીએ.
અત્યારે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં જે વરસાદો પડી રહ્યા છે, તે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના છે. ખાસ કરીને ખેડૂતોને આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદના કારણે વ્યાપક નુકસાન ભોગવવું પડ્યું છે. આગામી દિવસોમાં ધીમે-ધીમે વતાવરણ ખુલ્લુ થશે અને તડકો નીકળતા તાપમાન પણ ઊંચુ જોવા મળશે. એટલે નૈઋત્યના ચોમાસા માટે હજુ ઘણી રાહ જોવાની જરૂર છે.
