Paresh Goswami Ni Agahi: હાલ ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનું જોર વધારે જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી ઉપર નોંધાઈ રહ્યું છે. જેના પરિણામે અંગદઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી 2026ના ચોમાસાને લઈને તબક્કાવાર પોતાનો વરતારો આપી રહ્યા છે.
અગાઉ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે? તેને લઈને પરેશ ગોસ્વામી વિગતવાર માહિતી આપી ચૂક્યા છે, ત્યારે હવે તેમણે ઓક્ટોબર 2026ને લઈને જણાવ્યું કે, આ ચોમાસાનો છેલ્લો મહિનો રહેશે. જો કે ઓક્ટોબર મહિનામાં વરસાદની બે મોટી શક્યતા રહેલી છે.
આ પણ વાંચો
ઓક્ટોબરના પ્રથમ 10 દિવસ રાહત રહેશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, એકતરફ ઓક્ટોબર મહિનામાં પડનારો ભારે વરસાદ જળ સ્તરમાં વધારો કરીને ફાયદો કરાવશે, તો બીજી તરફ તે ખરીફ પાકોને નુકસાન પણ પહોંચાડી શકે છે.
1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. આ 10 દિવસ દરમિયાન ખેડૂતોને એક ગેપ મળશે, જે પાકની લણણી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વરસાદનો અંતિમ રાઉન્ડ તોફાની રહેશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં વરસાદના બે રાઉન્ડ જોવા મળશે. જેમાં પ્રથમ રાઉન્ડ 10 થી 14 ઓક્ટોબર દરમિયાન આવશે. આ 5 દિવસ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. જો કે આ ગાળામાં વરસાદ સાર્વત્રિક નહીં હોય, પરંતુ જે વિસ્તારમાં પડશે, ત્યાં તીવ્રતા વધારે રહી શકે છે.
જ્યારે 23 થી 28 ઓક્ટોબર દરમિયાન ચોમાસાના વરસાદનો અંતિમ રાઉન્ડ આવશે. આ દરમિયાન ભારે વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે. જેમાં કોઈ-કોઈ ભાગોમાં 5 ઈંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.
ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ વરસાદના રાઉન્ડ બાદ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જશે, પરંતુ તે પછી વરસાદ પડે તો તેને માવઠુ ગણવામાં આવશે.
આમ ઓક્ટોબરમાં વરસાદના કારણે રાજ્યના ડેમો, કૂવા અને બોરમાં નવા પાણીની આવક થશે, જે શિયાળુ અને ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જોકે, ઓક્ટોબરના અંતમાં આવતો આ વરસાદ તૈયાર પાકને નુકસાન પણ કરી શકે છે. એકંદરે જોઈએ તો, વર્ષ 2026 નું ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે.
.
