અમદાવાદ: ભાજપનો ગઢ ગણાતી નરોડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, ખોડિયાર નગરમાં પાયલ કુકરાણીનો સ્થાનિકોએ વિરોધ કર્યો

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 22 Nov 2022 03:35 PM (IST)Updated: Tue 22 Nov 2022 04:16 PM (IST)
opposition-of-bjp-candidate-on-naroda-seat-locals-protest-against-payal-kukrani-in-khodiyar-nagar

અમદાવાદ. Gujarat Assembly Election 2022:
અમદાવાદની નરોડા બેઠક પર કોંગ્રેસ અને NCPના ગઠબંધન બાદ હવે ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ચુંટણી લડત જોવા મળી રહી છે. ગઇકાલે સાંજે ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

નરોડાના ખોડીયારનગરમાં પાયલ કુકરાણી અને ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે પહોંચ્યા હતા. તે દરમિયાન લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવને લઇને વિરોધ કર્યો હતો. સ્થાનિકોના વિરોધથી પાયલ કુકરાણી અને કાર્યકર્તાઓએ ખોડિયારનગરમાંથી ભાગવું પડ્યું હતું.

નરોડા બેઠક પર ભાજપ, આપ અને NCPની સીધી લડાઇ છે. નરોડા બેઠકના રાજકીય સમીકરણની વાત કરીએ તો આ બેઠક ભાજપ માટે સલામત બેઠક માનવામાં આવે છે. માયાબેન કોડનાની આ બેઠક પરથી સૌથી વધારે માર્જિનથી જીતતા હતા. આ બેઠક પર સિંધી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. સિંધી મતદારો ભાજપ સાથે વળેલા છે. જેથી ભાજપ અહીંથી જીત મેળવતું આવ્યું છે.

2017માં ભાજપના ઉમેદવાર બલરામ થવાણીએ નરોડા બેઠક પરથી જીત મેળવી હતી. પરંતુ 2022માં ભાજપે બલરામ થવાનીની ટિકિટ કાપીને પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. જો કે, પાયલ કુકરાણી આયાતી ઉમેદવાર હોવાના કારણે તેમનો વિરોધ પણ થયો હતો. પાયલ કુકરાણીથી સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને બલરામ થવાનીના સમર્થકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

પાયલ કુકરાણી નરોડાના સ્થાનિક નથી. પાયલ કુકરાણીએ રાજકોટમાં લગ્ન કર્યા છે. જો કે, પાયલ કુકરાણીની માતા સેજપુર બોગા વોર્ડના કોર્પોરેટ છે. પાયલ કુકરાણી રાજકોટ રહેવાસી હોવાથી સ્થાનિકો તેને આયાતી ઉમેદવાર તરીકે માને છે. જ્યારે બીજી તરફ નરોડા બેઠક પર કોંગ્રેસના સ્થાને NCPના ઉમેદવાર મેઘરાજ ડોડવાણી ચુંટણી લડી રહ્યા છે. મેઘરાજ ડોડવાણી આમ તો વાડજના રહેવાસી હોવાથી સ્થાનિકો આયાતી ઉમેદવાર માને છે.

આ ઉપરાંત નરોડાના મતદારો ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે. આથી NCPના ઉમેદવારને અહીં જીત મેળવવી મુશ્કેલ બની છે. જ્યારે આમ આદમી પાર્ટીએ નરોડામાંથી ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપી છે. ઓમ પ્રકાશ તિવારી સ્થાનિક છે. કોંગ્રેસમાંથી તેઓ કોર્પોરેટર રહી ચુક્યા છે. કોગ્રેસમાંથી નારાજ થઇને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઓમ પ્રકાશ તિવારી હિંન્દી ભાષી છે. નરોડામાં હિન્દીભાષી મતદારોની સંખ્યા 30 હજારની આસપાસ છે. આ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર હોવાથી સિંધી મતદારો પર પણ પ્રભુત્વ ધરાવે છે.

નરોડામાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી લડાઇ છે. આમ આદમી પાર્ટીના ઓમપ્રકાશ તિવારી અને પાયલ કુકરાણી વચ્ચે સીધો જંગ છે. નરોડા બેઠક પર 60થી 70 હજાર સિંધી મતદારો છે. 30 પરપ્રાંતિય મતદાર, 20 હજાર પાટીદાર, 30 હજાર દલિત, 6 હજાર મુસ્લિમ મતદારો છે. સિંધી મતદારોમાં પણ આ વખતે બે ભાગ જોવા મળી રહ્યા છે. અપક્ષમાંથી પણ સિંધી સમાજના ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. આથી સિંધી મતોનું ધ્રુવીકરણ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

આથી ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણીને તેનાથી નુકસાન થઇ શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારના સ્થાને એનસીપી ઉમેદવાર ચુંટણી મેદાનમાં છે. જેનો ફાયદો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને મળી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, ભાજપનો ગઢ ગણાતા નરોડા બેઠકમાં લોકો બદલાવ ઇચ્છે છે કે ફરી કમળ ખીલે છે તે પરિણામ નક્કી કરશે.

પાયલ કુકરાણી કોણ છે?
યુવા ડોક્ટર પાયલ કુકરાણી સૌથી નાના ઉમેદવાર છે. તેઓ વ્યવસાયે ડોક્ટર છે. તેમના પિતા ભાજપ અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. પિતા મનોજભાઈ નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અન્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેમના માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર-બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે.

પાયલ કુકરાણીએ રશિયાથી ડોક્ટરનો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યા છે અને અમદાવાદમાં ચાર વર્ષથી ડોકટરી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડોકટર પાયલ કુકરાણી સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે. ડોકટર પાયલની માતા અમદાવાદના સૈજપુર-બોઘા વોર્ડથી કોર્પોરેટર છે.

પાયલના પિતા મનોજકુમાર કુકરાણી પાર્ટિશન વખતે ભારત આવી ગયા હતા. તેઓ રેફ્યૂજી સિંધી સમાજના છે. તેઓ 1980માં પાર્ટીમાં જોડાયા હતા. 1985માં યુવા પ્રમુખ, 1987માં ઉપપ્રમુખ, 1991માં શહેર ખજાનચી, 1992માં વોર્ડ પ્રમુખ, 1994માં નરોડાના મહામંત્રી, 1998માં નરોડા મંડળ પ્રમુખ બાદમાં સૈજપુર વોર્ડના પ્રમુખ, સિંધી પંચાયતના પ્રમુખ, નરોડા વિધાનસભા બેઠકના સિંધી સમાજના નેતા તેમજ સંલગ્ન સંસ્થાઓ અને યુનિયનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા છે. મનોજકુમાર કુકરાણીએ હાલમાં નરોડા પાટીયા કાંડ કેસમાં હાલમાં જામીન લીધેલા છે.

જાણો નરોડા બેઠકની રસપ્રદ વિગત
નરોડા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 47મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. 1990થી નરોડા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યા હતા. જેની સૌથી વધુ અસર નરોડા વિસ્તારમાં જોવા મળી હતી. નરોડા પાટિયા કાંડ સમગ્ર દેશમાં એ સમયે ચર્ચાસ્પદ રહ્યો હતો. નરોડા પાટિયા કાંડમાં થયેલા નરસંહારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી.