Ahmedabad Odisha Festival 2026: ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગુજરાત અને ઓડિશાની સમૃદ્ધ સંસ્કૃતિના સંગમ સમાન ત્રિદિવસીય 'ઓડિશા પર્વ' નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કલા, સંસ્કૃતિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ
ઓડિશા પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત અને FICCI ના સહયોગથી યોજાયેલા 'ઓડિશા પર્વ' ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઓડિશાની જીવંત પરંપરાઓ, હસ્તકલા, ઉત્કૃષ્ટ ભોજન અને નૃત્યકારો દ્વારા કલા સંસ્કૃતિનું અદભુત નિદર્શન કરવામાં આવ્યું છે.
Attended the Odisha Parab Inaugural Session at Gujarat University, Ahmedabad, celebrating the vibrant spirit of Odisha while witnessing the beautiful cultural connect between Odisha and Gujarat.
— Harsh Sanghavi (@sanghaviharsh) March 21, 2026
From rich heritage and deep-rooted traditions to a shared legacy of art, crafts, and… pic.twitter.com/CRhMlqq2rt
'ઓડિશા પર્વ' નો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ઓડિશા વચ્ચેનો સંબંધ ભક્તિ અને કર્મના અતૂટ તાંતણે બંધાયેલો છે. તેમણે ઉમેર્યું કે, જેમ ગુજરાત પર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે, તેમ ઓડિશા પર મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ છે, અને આ બંને પવિત્રધામ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.
ગુજરાતના વિકાસમાં ઓડિશાવાસીઓનું યોગદાન
સુરતમાં વસતા હજારો ઉડિયા પરિવારોના શ્રમ અને યોગદાનને બિરદાવતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતના વિકાસમાં સિંહફાળો આપી રહ્યા છે. ખાસ કરીને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઓડિશાના યુવાનોની ભાગીદારી પ્રશંસનીય છે. ઓડિશાના પરિવારોએ સુરતમાં આવીને પથ્થરને હીરા જેવી ચમક આપવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.
આ ઉપરાંત, ઓડિશાએ પ્રવાસન ક્ષેત્રે કરેલી પ્રગતિને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સફળ મોડલ ગણાવ્યું હતું, અને આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઓડિશાની મુલાકાત લેશે. હર્ષ સંઘવીએ રાજ્યના યુવાનો અને નાગરિકોને પરિવાર સાથે આ ત્રિદિવસીય પર્વની મુલાકાત લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
પ્રવાસન અને ઉદ્યોગને વેગ આપવા ખાસ બેઠક
આ સાંસ્કૃતિક પહેલનો મુખ્ય ઉદ્દેશ બંને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ મજબૂત કરવાનો અને લોકોને ઓડિશાના વિવિધ પ્રવાસન આકર્ષણોથી માહિતગાર કરવાનો છે. આ કાર્યક્રમમાં માત્ર સાંસ્કૃતિક મેળાનું જ નહીં, પરંતુ પ્રવાસન અને સાંસ્કૃતિક ભાગીદારી ગાઢ બનાવવા માટે 'B2B' (Business to Business) અને 'G2B' (Government to Business) જેવી સંવાદ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઓડિશાનું જગન્નાથ મંદિર, કોણાર્ક મંદિર, ઓડિસી નૃત્ય, મેલાનિસ્ટિક ટાઈગર, પુરીના બ્લૂ ફ્લેગ બીચ અને જગવિખ્યાત રસગુલ્લા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ઓડિશા સરકારના પદાધિકારીઓ અને ગુજરાતમાં વસતા ઓડિશાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
