Ahmedabad News: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સાગબારામાં આપેલા નિવેદનને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને ભાજપ દ્વારા શંકરસિંહ વાઘેલાના નિવેદનને વખોડવામાં આવ્યું છે અને માફીની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વિવાદ વકરતો જોઈને શંકરસિંહ વાઘેલાએ પોતે પોતાની વાત પર અડગ હોવાનું જણાવ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ગઈકાલે ગાંધી જયંતિ સાગબારાના ખોપી ગામમાં સરકારની નીતિઓથી દુખી આદિવાસી ખેડૂતોના સંમેલનમાં જે વાત કરીને તેનું વતેસર કરીને ભાજપના કેટલાક લોક સમજ્યા વિના મંડી પડ્યા છે.
Monsoon Withdrawal Gujarat: ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, 89.19 ટકા વરસાદ સાથે સીઝન પૂર્ણ
હું જે કંઈ બોલ્યો છું, તે ડંકાની ચોટ પર બોલ્યો છું. મારો ઉદ્દેશ દલિત અને આદિવાસી સમાજના અધિકારોની વાત કરવાનો હતો. જો કે ભાજપના લોકો મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું કોઈ સમાજનો વિરોધી નથી, એટલે માફી માંગવાનો તો કોઈ સવાલ જ નથી.
પરશુરામ જયંતિએ રજા આપનાર બ્રહ્મ સમાજનો વિરોધી કેવી રીતે હોય?
હું બ્રહ્મ સમાજનો વિરોધી કેવી રીતે હોઈ શકું, મેં જ પરશુરામ જયંતિએ રજા આપી હતી. આવો માણસ તમારો વિરોધી હોઈ શકે ખરો?. જો કે ભાજપને પેટ ચોળીને પીડા ઉભી કરવાની ટેવ છે.
વધુમાં બાપુએ જણાવ્યું કે, ભૂતકાળમાં જે મેલું ઉપાડતો, જેને મંદિરમાં પાણી પીવાની સગવડ પણ નહતી મળતી અને ગામમાં વરઘોડો કાઢવાની પણ મનાઈ હતી, તેવા દલિત સમાજની હાલત સુધારવા અને તેમને સમાનતા આપવા માટે અનામત આવશ્યક હતી.
જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવા સંદર્ભે આપેલા નિવેદનને પગલે રોષે ભરાયેલા બ્રહ્મ સમાજે 3 દિવસમાં માફી માંગવા કહ્યું છે. જો 3 દિવસમાં બાપુ માફી નહી માંગે, તો વસંત વગડો સ્થિત તેમના આવાસ પર દેખાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
