Navratri 2026: ગુજરાતભરમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ખેલૈયાઓની સુરક્ષા માટે SHE ટીમથી માંડીને સાયબર સેલ સજ્જ

આયોજકો માટે કડક ગાઈડલાઈન: અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ, સમગ્ર પરિસરમાં CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 Oct 2026 11:30 PM (IST)Updated: Sat, 10 Oct 2026 11:30 PM (IST)
navratri-2026-she-teams-strict-guidelines-and-high-security-in-gujarat

Gujarat Police Navratri Security: આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના નાગરિકો નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજ્યના સંવેદનશીલ મહાનગરોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી નોંધાયેલા કુલ ૨૨ હજારથી વધુ ગરબા મહોત્સવોમાં લાખો ખેલૈયાઓ ગરબે ઘૂમશે. તેને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશનરશ્રીને એલર્ટ રહીને પેટ્રોલિંગ વધારવા સ્પષ્ટ આદેશો આપ્યા છે.

ગરબા પંડાલોમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા છે. ભીડભાડવાળા માર્ગો, શોપિંગ ઝોન અને પાર્ટી પ્લોટ્સમાં સાદા કપડાં તેમજ યુનિફોર્મમાં તૈનાત મહિલા પોલીસ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં સજ્જ મહિલા પોલીસકર્મીઓની ‘શી-ટીમ’ સતત વોચ રાખશે. ખેલૈયાઓના વેશમાં આવીને છેડતી, અસભ્ય વર્તન કે હેરાનગતિ કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે સ્થળ પર જ કડક કાનૂની સકંજો કસવામાં આવશે.

તહેવારો દરમિયાન ડિજિટલ માધ્યમો દ્વારા સામાજિક સૌહાર્દ ડહોળવાના કોઈપણ પ્રયાસને ડામી દેવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી, બિભત્સ સામગ્રી કે ધાર્મિક લાગણી દુભાવતા વિડીયો-ઓડિયો વાયરલ કરનારા અસામાજિક તત્વો પર આધુનિક ટૂલ્સ દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા ફેલાવનાર સામે આઈ.ટી. એક્ટની કડક કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવશે.

તમામ ગરબા આયોજકો માટે સ્પષ્ટ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ પ્રવેશ અને નિકાસ માટે અલગ ગેટ, સમગ્ર પરિસરમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે.

ગુજરાત પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે કટોકટીના સમયે તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અપીલ કરી છે.