Bank Employees Strike: આજે બેંકોમાં દેશવ્યાપી હડતાળ,  ગુજરાતની 5400 બ્રાન્ચ બંધ; સુરતમાં કાળા કપડા પહેરી કર્મચારીઓનો વિરોધ

આજે શુક્રવારે હડતાળ પછી શનિ-રવિની રજા હોવાથી કુલ 3 દિવસ બેંકો બંધ રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 11 Sep 2026 12:00 PM (IST)Updated: Fri, 11 Sep 2026 12:00 PM (IST)
nationwide-bank-strike-today-11-september-ufbu-demand-and-schedule-gujarat-impact
Nationwide Bank Employees Strike

 

Nationwide Bank Employees Strike: આજે 11 સપ્ટેમ્બરના રોજ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના આહવાન પર દેશભરની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં એક દિવસીય હડતાળ પાડવામાં આવી છે. પાંચ દિવસીય બેંકિંગ વ્યવસ્થા (5-Day Working) અને નવી પર્ફોર્મન્સ લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમના વિરોધમાં આ હડતાળનું એલાન છે.

સતત ત્રણ દિવસ બેંકિંગ કામગીરી સંપૂર્ણ ઠપ્પ

આજે 11 સપ્ટેમ્બર, શુક્રવારે હડતાળ બાદ 12 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવારની જાહેર રજા હોવાથી સતત ત્રણ દિવસ સુધી બેંકિંગ કામગીરી સંપૂર્ણ ઠપ્પ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટ આ પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવે, તો 26 ઓક્ટોબરથી દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની UFBU દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતભરમાં વિવિધ બેંકોની 5400 બ્રાંચ બંધ

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય ન લેતાં ગુજરાતમાં તેની વ્યાપક અને ગંભીર અસર જોવા મળી રહી છે. રાજ્યના આશરે 75,000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે રાજ્યભરની લગભગ 5,400 બેંક શાખાની કામગીરી સંપૂર્ણ બંધ અથવા ખોરવાઈ ગઈ છે.

આ હડતાળના કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના બેંકિંગ વ્યવહારોને સીધી અસર પહોંચી છે. આ હડતાળને લીધે બેંક શાખાઓમાં રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ અને કાઉન્ટર સેવાઓ સહિતની શાખા આધારિત તમામ સેવાઓ મેળવવામાં સામાન્ય નાગરિકો તથા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બેંક યુનિયન અને કર્મીઓની રજૂઆત અને માંગણી

બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશનના DGS ભાવિન તલાટીના જણાવ્યા મુજબ, લાંબા સમયથી અટકેલી પાંચ દિવસીય બેંકિંગની માંગણી અને સરકારની નવી પર્ફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમના વિરોધમાં આ હડતાળ યોજવામાં આવી છે.

UFBU ના જણાવ્યા અનુસાર, 8 માર્ચ 2024 ના રોજ ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથે 12મા દ્વિપક્ષીય કરાર અને 9મા સંયુક્ત નોટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરશે તે શરતે 5 દિવસીય બેંકિંગ લાગુ કરવા સંમતિ બની હતી.

આ પ્રસ્તાવ IBA દ્વારા નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો હોવા છતાં બે વર્ષથી વધુ સમયથી મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત, નવી ઈન્સેન્ટિવ સ્કીમ બેંક અને કર્મચારીઓ બંને માટે ભેદભાવપૂર્ણ છે, જેમાં સ્કેલ-3 સુધીના અધિકારીઓને માત્ર 15 દિવસનું જ્યારે તેનાથી ઉપરના સ્કેલના અધિકારીઓને 365 દિવસનું ઈન્સેન્ટિવ આપવાની જોગવાઈ કરી છે.

ત્રણ તબક્કામાં બેંકકર્મીઓના આંદોલનનું શિડ્યુલ

આ હડતાળના પગલે સુરતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો સંપૂર્ણ બંધ રહી, જ્યાં સાત હજાર કર્મચારીઓ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. યુનિયન દ્વારા આંદોલનની આગામી રણનીતિ 3 તબક્કામાં જાહેર કરવામાં આવી છે.

પહેલો તબક્કો: 11 સપ્ટેમ્બરે એક દિવસીય દેશવ્યાપી હડતાળ.

બીજો તબક્કો: 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ.

ત્રીજો તબક્કો: 26 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ.