Ahmedabad Illegal Slaughterhouse: અમદાવાદના નારોલ વિસ્તારમાં દરોડા પાડી પોલીસે એક ઓરડીમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનું ઝડપી પાડ્યું છે. આ દરમિયાન પોલીસે 700 કિલોગ્રામ પશુમાંસ, 5 વાહનો અને મોબાઈલ સહિત કુલ ₹4.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 4 આરોપીની ધરપકડ અને એક સગીરની અટકાયત કરી છે. વધુમાં, અન્ય 2 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નારોલ પોલીસનો કતલખાના પર દરોડો
આ પણ વાંચો
નારોલ પોલીસને બાતમી મળી હતી કે, નારોલ વિસ્તારમાં અલીફનગર રોડ પર આવેલી એક ઓરડીમાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઓરડીમાં અને પાર્ક કરેલા લોડિંગ ટેમ્પોમાંથી કુલ 700 કિલોગ્રામ પશુમાંસ મળી આવ્યું હતું. પોલીસે માંસનો જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
4 ભેંસ સહિત 8 પશુઓને મુક્ત કરાવ્યા
દરોડા દરમિયાન ઓરડીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં 4 ભેંસ અને 4 પાડા મળી કુલ 8 પશુઓ બાંધેલી હાલતમાં હતા, જેમને પોલીસે મુક્ત કરાવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી 5 વાહનો અને મોબાઈલ સહિત કુલ ₹4.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
4 આરોપીની ધરપકડ, 1 સગીરની અટક
પોલીસે આ કાર્યવાહી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા.
- મોહંમદ રફીક ઉર્ફે બાબા મોહંમદ સીદ્દીક લાલમીયાં શેખ
- અશફાક ઉર્ફે મામા મજીદ મુદ્દીન કુરેશી
- મોહસીન ઉર્ફે મોહમ્મદઉંમર ફારૂક યાસીન કુરેશી
- મોહમદ અમન મોહમદ હનીફ રફીક કુરેશી
આ કેસમાં એક સગીરની પણ અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય 2 આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
મમ્મુ બુખારીએ જગ્યા ભાડે આપ્યાનો ખુલાસો
ચારેય આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે જે જગ્યા પર કતલખાનું ચલાવવામાં આવતું હતું તે મમ્મુ બુખારીની માલિકીની છે. તેણે આ જગ્યા મોહંમદ રફીક અને તેના મિત્ર મુનાવર ઉર્ફે સની બુખારીને કતલખાના માટે ભાડે આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મિર્ઝાપુર બજારમાં માંસ વેચવાનું આયોજન હતું
પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ પશુઓની કતલ કરીને માંસ મિર્ઝાપુર બજારમાં વેચવાના હતા. જોકે, માંસનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસની કાર્યવાહી દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે કબજે કરેલા મુદ્દામાલ અને ઝડપાયેલા આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીની શોધખોળ પણ ચાલુ છે.
