Nal Sarovar Bird Sanctuary: અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે આવેલા સુપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભ્યારણ્યમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે. શિયાળામાં હજારો માઈલનું સફર કાપીને પક્ષીઓ નળસરોવરમાં ઉતરી આવે છે. ક્યારેય ન જોયા હોય તેવા પક્ષીઓને જોવા માટે 50થી 60 હાજર સહેલાણીઓ મુલાકાત લેવા આવે છે. ત્યારે સહેલાણીઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કુલ 26 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ, વોચ ટાવર જેવી વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે.
નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં અનોખી સુવિધા
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય આવતા સહેલાણીઓની સુવિધા માટે દિવાળી પછી નવી 100 બોટિંગ સેવા શરુ કરવામાં આવનાર છે. તેમજ આગામી સમયમાં અમદાવાદથી સહેલાણીઓને નળ સરોવર આવવા માટે AMTS બસ સેવાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગુજરાતભરના પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓને આ તમામ સુવિધાનો લાભ 15 ઓક્ટોબરથી મળવાની શરુ થઈ જશે.
સ્થાનિકોને મળશે રોજગારીની ઉત્તમ તક
ગુજરાત ટુરિઝમના આ નિર્ણયથી સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો ઊભી થશે, હાલ 100 પૈકીની 25 બોટ્સ આવી ગઈ છે. જે બોટ્સ ચલાવવાની જવાબદારી સ્થાનિક લોકોને અપાશે. નળ સરોવર વિસ્તારમાં રાત્રિ રોકાણ કરીને પોતાના વેકેશનને યાદગાર બનાવવા ઇચ્છતા લોકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.
રાત્રિ રોકાણની સંપૂર્ણ માહિતી
રાત્રિ રોકાણ માટે ચાર સ્પેશિયલ રુમ તૈયાર કરવામાં આવ્યા છે. આ રુમના ભાડાની વાત કરીએ તો, 3 હજારથી 4 હજાર સુધીનું હશે. આ રુમમાં એક સાથે 3થી 4 લોકો રાત્રિરોકાણ કરીને પ્રકૃતિના સોંદર્યનો આનંદ માણી શકશે.બુકિંગ કરાવવા ઇચ્છતા લોકો ઓનલાઈન રીતે બુકિંગ કરી શકે છે. રાત્રિ રોકાણ દરમિયાન લોકોએ ફોરેસ્ટ વિભાગના તમામ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
સહેલાણીઓ માટે વિશેષ સુવિધાઓ
પોતાના પરિવાર સાથે નળ સરોવર ફરવા ઈચ્છતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં ટિકિટીંગ એરિયા, બે એન્ટ્રીગેટ, નળસરોવરનો ઇતિહાસ અને પક્ષીઓની માહિતીને આવરતો હોલ, પક્ષીઓની ગતિવિધિઓ પર નજર રાખવા વોચ ટાવર, ચા-નાસ્તા માટે ફૂડ કોર્ટ, બોટિંગની વ્યવસ્થા, ઓનલાઈન પેમેન્ટ વ્યવસ્થા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં વ્યક્તિ દીઠ પ્રવેશ ફી રુ.40 રાખવામાં આવી છે. તેમજ કારમાં છ લોકો હોય તો 400 રુપિયા ચૂકવવાના રહેશે. તેમજ સાંજે કોઈને પક્ષી અભ્યારણ્યમાં પ્રવેશ અપાશે નહી.
-1790138041249_m.webp)