Mumbai–Ahmedabad Bullet Train Update: ભારતનો મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ હવે એક નવા તબક્કામાં પ્રવેશ્યો છે. વાયાડક્ટ (પુલ) પર ટ્રેક સ્થાપિત કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ભારત પ્રથમ વખત જાપાનની વિશ્વવિખ્યાત 'J-સ્લેબ' બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. 320 કિમી/કલાકની ઝડપે દોડનારી ટ્રેન માટે આ સિસ્ટમ સુરક્ષા અને સ્થિરતાની ગેરંટી આપે છે.
શું છે J-સ્લેબ ટેકનોલોજી?
સામાન્ય રેલ્વે ટ્રેકમાં પથ્થરો (બેલેસ્ટ)નો ઉપયોગ થાય છે, પરંતુ બુલેટ ટ્રેન માટે ખાસ પ્રકારની બેલેસ્ટલેસ (પથ્થર વગરની) સિસ્ટમ વપરાય છે. આ સિસ્ટમ મુખ્યત્વે ચાર સ્તરોમાં વહેંચાયેલી છે:
- RC ટ્રેક બેડ: મજબૂત કોંક્રિટનો આધાર.
- CAM (સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર): આંચકા શોષવા માટેનું વિશેષ મિશ્રણ.
- પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ: અત્યાધુનિક ફેક્ટરીમાં તૈયાર થયેલા સ્લેબ.
- હાઈ-ગ્રેડ રેલ: ફાસ્ટનર્સ સાથે જોડાયેલી ખાસ 60 કિલોની રેલ.
ગુજરાતમાં નિર્માણ પામ્યા હાઈ-ટેક કારખાના
ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે ગુજરાતમાં સુરત (કિમ) અને આણંદ ખાતે ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ (TSMF) સ્થાપિત કરવામાં આવી છે. અહીં તૈયાર થયેલા સ્લેબને ખાસ ટ્રેલરો દ્વારા નિર્ધારિત રૂટ પર મોકલવામાં આવે છે. પ્રોજેક્ટને સુચારૂ બનાવવા માટે અત્યાર સુધીમાં કુલ 10 ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB) કાર્યરત કરાયા છે. જેમાંથી 4 સુરત–બિલીમોરા–વાપી વિભાગ વચ્ચે અને 6 વડોદરા–આણંદ–અમદાવાદ વિભાગ વચ્ચે આવેલા છે
આ કારખાનાઓમાં બનેલા ટ્રેક સ્લેબને સ્ટેકિંગ વિસ્તારમાં સંગ્રહિત કરવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેલરો દ્વારા ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB) સુધી પહોંચાડવામાં આવે છે, જે જમીન તેમજ વાયાડક્ટ પર ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનોના સંચાલન માટે આધારરૂપ બને છે.
આંકડાકીય પ્રગતિ (રૂટ કિમીમાં)
| પ્રવૃત્તિ | વર્તમાન સ્થિતિ |
| RC ટ્રેક બેડની કામગીરી | 185 કિમી પૂર્ણ |
| ટ્રેક સ્લેબનું કુલ ઉત્પાદન | 188 કિમી પૂર્ણ |
| સ્લેબ લેયિંગ અને CAM ઇન્જેક્શન | 70 કિમી પૂર્ણ |
મેડ ઇન ઇન્ડિયા મશીનરીનો જાદુ
આ સમગ્ર પ્રક્રિયા જાપાનની પદ્ધતિ મુજબ થઈ રહી છે, પરંતુ આનંદની વાત એ છે કે તેમાં વપરાતી મોટાભાગની મશીનરી ભારતમાં જ બનાવવામાં આવી છે.
ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન (FBWM)
25 મીટર લાંબી 60 કિલોગ્રામ રેલને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન (FBWM) દ્વારા જોડીને 200 મીટર લાંબા પેનલ બનાવવામાં આવે છે, જે ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB) પર વાયાડક્ટ ઉપર તૈયાર થાય છે. 320 કિમી પ્રતિ કલાકની ગતિએ હાઇ-સ્પીડ ટ્રેન સંચાલન માટે યોગ્ય બનાવવા માટે, રેલ વેલ્ડિંગ શરૂ કરતાં પહેલાં કડક પરીક્ષણ અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. રેલ વેલ્ડ ફિનિશિંગ તેમજ નિરીક્ષણ અને પરીક્ષણ માટે તાલીમ અને પ્રમાણપત્ર જાપાનની કંપની JARTS દ્વારા આપવામાં આવ્યું છે, જે વેલ્ડિંગ કાર્ય શરૂ કરવા માટે જરૂરી છે.
ટ્રેક સ્લેબ લેયિંગ કાર (SLC)
પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબને વાયાડક્ટ પર ઊંચકીને ખાસ ડિઝાઇન કરેલી SLC પર લોડ કરવામાં આવે છે અને ટ્રેક બિછાવવાની જગ્યાએ લઈ જવામાં આવે છે. SLC એક સમયે 5 સ્લેબ ઉઠાવી શકે છે, જેની મદદથી સ્લેબને RC ટ્રેક બેડ પર ચોક્કસ સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે।
રેલ ફીડર કાર (RFC)
200 મીટર લાંબા રેલ પેનલને RFC પર લોડ કરીને RC ટ્રેક બેડ પર બિછાવવામાં આવે છે. RFC રેલની જોડી ને RC બેડ પર આગળ ધપાવે છે અને શરૂઆતમાં RC બેડ પર અસ્થાયી ટ્રેક બિછાવવામાં આવે છે.
સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર ઇન્જેક્શન કાર (CAM કાર)
RC બેડ પર ટ્રેક સ્લેબ મુકાયા પછી CAM કાર બીજા ટ્રેક પર ચાલે છે (અર્થાત UP અને DN બંને લાઇન પર સ્ટાન્ડર્ડ ગેજનું અસ્થાયી ટ્રેક પહેલા બિછાવવામાં આવે છે). CAM કાર નિર્ધારિત પ્રમાણમાં CAM સામગ્રી મિક્સ કરે છે અને ત્યારબાદ સ્લેબની નીચે (ખાસ બેગમાં) CAM મિશ્રણ ઇન્જેક્ટ કરે છે, જેથી અંતિમ ટ્રેકની જરૂરી લાઇન અને લેવલ જાળવી શકાય.
જાપાનની સંસ્થા JARTS દ્વારા ભારતીય એન્જિનિયરો અને કામદારોને વિશેષ તાલીમ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, જેથી 320 કિમીની ગતિએ ટ્રેન દોડતી હોય ત્યારે સહેજ પણ ખામી ન રહી જાય.
