Ahmedabad Demolition News: અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતેના ઐતિહાસિક મેગા ડિમોલિશન બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં પણ ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 40 વર્ષોથી તળાવની જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું તંત્ર વહેલી સવારથી જ સક્રિય બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચંડોળા તળાવની જેમ જ અહીં પણ 1 હજારથી વધુ લોકો તળાવની જમીન પર ગેરકાયદેસર વસવાટ કરતા હતા, આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
40 વર્ષ જૂના દબાણો સામે AMCની લાલ આંખ
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી તળાવોના વિકાસ અને પુનરુત્થાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત શહેરમાં આવેલા તળાવો પરના દબાણોને દૂર કરવાની કાર્યવાહી વેગવંતી બની છે. ઈસનપુર તળાવની આસપાસ છેલ્લા 40 વર્ષથી પણ વધુ સમયથી ગેરકાયદેસર રીતે થયેલા દબાણોને દૂર કરવા માટે AMC દ્વારા આજે વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ મેગા ડિમોલિશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
Ahmedabad, Gujarat: A large-scale demolition drive by the Municipal Corporation has commenced in the Isanpur area. The operation targets illegal encroachments that have existed for nearly 40 years. Approximately 500 police personnel, along with multiple excavators and JCB… pic.twitter.com/zuksJZ1EAw
— IANS (@ians_india) November 24, 2025
20 જેસીબી, હિટાચી મશીનો અને 500 પોલીસકર્મીઓ તૈનાત
ઈસનપુર તળાવ પરના દબાણો દૂર કરવા માટે મોટા પાયે મેનપાવર અને મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મેગા ડિમોલિશન ઓપરેશનમાં 20 જેસીબી (JCB) અને હિટાચી (Hitachi) મશીનો તેમજ મોટી સંખ્યામાં મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી દબાણો તોડવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસીપી (ACP), પીઆઈ (PI), પીએસઆઈ (PSI) અને પોલીસ કોન્સ્ટેબલો સહિત કુલ ૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે અને સમગ્ર કાર્યવાહી પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી 29 એપ્રિલ, 2025ના રોજ ચંડોળા તળાવ ખાતે થઈ હતી. તે સમયે 50 જેસીબી મશીનો સાથે AMCની ટીમે સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. પ્રથમ તબક્કામાં 4 હજાર કાચા-પાકા બાંધકામો દૂર કરીને 1.50 લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. ત્યારબાદ, 20 મે, 2025ના રોજ બીજા તબક્કામાં 8500 કાચા-પાકા બાંધકામો હટાવીને કુલ 4 લાખ સ્ક્વેર મીટર જમીન પરથી 12 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
