બોપલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોક દરબાર: જળભરાવના નિકાલ માટે ₹143 કરોડના કામો મંજૂર

અમદાવાદના બોપલમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોક દરબાર યોજાયો. જળભરાવના કાયમી નિકાલ અને નર્મદાના પાણી માટે રૂ. 143 કરોડના કામોની જાહેરાત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 27 Aug 2026 11:20 PM (IST)Updated: Thu, 27 Aug 2026 11:20 PM (IST)
lok-darbar-held-in-bopal-in-the-presence-of-union-minister-amit-shah-and-cm-bhupendra-patel-projects-worth-143-crore-approved-to-resolve-waterlogging-issues

Amit Shah Lok Darbar: ગાંધીનગર લોકસભા વિસ્તારના સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવેલા બોપલની બી.કે.એમ. સ્કૂલ ખાતે એક વિશેષ ‘લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ સહિતના વરિષ્ઠ મહાનુભાવો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ લોક દરબારનો મુખ્ય હેતુ બોપલ, ઘુમા અને શેલા જેવા નવવિકસિત રહેણાંક વિસ્તારોના સ્થાનિક રહીશો અને સોસાયટી પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની પાયાની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હતો.

જળભરાવ અને માળખાકીય સુવિધાઓ અંગે ગંભીર મનોમંથન

લોક દરબાર દરમિયાન સ્થાનિક નાગરિકોએ તાજેતરમાં સર્જાયેલી જળભરાવની સ્થિતિ, વરસાદી પાણીના નિકાલ (સ્ટોર્મ વોટર ડ્રેનેજ), રસ્તાઓનું સમારકામ, ટ્રાફિક વ્યવસ્થા, ડ્રેનેજ લાઈન અને પીવાના શુદ્ધ પાણીની પાઈપલાઈન અંગે રજૂઆતો કરી હતી. ઉપસ્થિત નેતાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓએ આ તમામ પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળીને સ્થળ પર જ સકારાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારના નાગરિકો સાથે તેમનો પાછલા 30 વર્ષથી વધુ સમયથી પરિવાર જેવો નાતો રહ્યો છે. તાજેતરમાં સર્જાયેલા 20-21 ઈંચ જેટલા ભારે વરસાદના કારણે લોકોને પડેલી અગવડતા અંગે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી.

ટાઈમ-બાઉન્ડ આયોજન: પાણી ઓસર્યાના બીજા જ દિવસથી કાયમી નિકાલનું ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગ શરૂ કરી દેવાયું છે. આગામી સમયમાં 30 ઈંચ જેટલો વરસાદ પડે તો પણ સોસાયટીઓ કે ઘરોમાં પાણી ન ભરાય તેવું મજબૂત અને સમયબદ્ધ આયોજન હાથ ધરાયું છે.

નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા: બોપલ, ઘુમા અને શેલા વિસ્તાર માટે જાસપુરથી પીવાના પાણીની વિશેષ લાઈન ગોઠવવામાં આવી છે, જેનાથી તમામ રહીશોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળશે.

વિકાસ કાર્યો: એક સમયે ગ્રામ પંચાયત ધરાવતા આ વિસ્તારમાં મેટ્રો, AMTS, ફ્લાયઓવર, ડ્રેનેજ અને સ્પોર્ટ્સ સંકુલ જેવા અનેક વિકાસકામો હાથ ધરાયા છે.

સરકાર તમામ વાજબી સમસ્યાઓ ઉકેલવા કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બદલાયેલી ઋતુચક્રની પેટર્ન મુજબ 20 ઈંચ વરસાદ છતાં વહીવટીતંત્રે અમિત શાહના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી હાથ ધરી હતી.

સુવિધાઓનો વિકાસ: બોપલ-ઘુમામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અંડરપાસ, વરસાદી પાણીના નિકાલની લાઈનો, પરકોલેશન વેલ અને RCC રોડના કામો મંજૂર કરી પૂર્ણ કરાયા છે.

જળ સંચય અભિયાન: તળાવોના ઈન્ટરલિંકિંગ અને રિચાર્જિંગ બોર દ્વારા પાણીના સંગ્રહનું અભિયાન ચાલી રહ્યું છે.

AMCની સમકક્ષ સુવિધાઓ: આ વિસ્તાર કોર્પોરેશનમાં પાછળથી ભળ્યો હોવા છતાં શહેરના અન્ય વિસ્તારોની સમકક્ષ તમામ નાગરિક સુવિધાઓ આપવા સરકાર કટિબદ્ધ છે.

રૂ. 143 કરોડથી વધુના કામો શોર્ટ નોટિસ ટેન્ડરથી શરૂ: મેયર હિતેશભાઈ બારોટ

અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે માહિતી આપી હતી કે બોપલ-ઘુમા કોર્પોરેશનમાં ભળ્યા બાદ પીવાના પાણી માટે 11 ટાંકીઓ, કચરાના ડમ્પિંગ સાઈટનું ઈકોલોજી પાર્કમાં રૂપાંતરણ, હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પૂલ જેવા અનેક કામો થયા છે.

તાજેતરના ભારે વરસાદ બાદ પ્રાથમિક સર્વેના આધારે રોડ-રસ્તા અને માળખાકીય સુવિધાઓના રિપેરિંગ માટે ₹143 કરોડથી વધુના કામો શોર્ટ નોટિસ ટેન્ડરથી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે.

આ લોક દરબારમાં સ્થાનિક ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિત કોર્પોરેશન તેમજ ઔડાના ઉચ્ચ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.